દ્વારકા, તા.22: દ્વારકામાં પત્નીની હત્યા નીપજાવનાર આરોપી પતિને આજીવન કેદ (જન્મટીપ)ની સજા અને રૂ.15,000 દંડ દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે.
આ કામે ભોગ બનનાર-ગુજરી જનાર
સંતોકબેન ફરિયાદી જગદીશભા લખમણભા સુમણિયાના માતા થાય છે જ્યારે દ્વારકાના આરોપી લખમણભા
કરમણભા સુમણીયા ફરિયાદીના પિતા થાય છે. સંતોકબેન અને લખમણભા બંને દ્વારકાના રુક્મિણી
મંદિરના ગેઈટની સામે રહેતા હતા. લખમણભા કોઈ કામ ધંધો કરતા ન હતા, જ્યારે સંતોકબેન દ્વારકા
નગરપાલિકામાં ખાનગી નોકરી કરતા હતા, તે તેણીના પતિને પસંદ ન હતું અને તે કારણે તેઓ
વચ્ચે અવાર નવાર ઝઘડા તકરાર થતા હતા. બનાવ તા.20-2-2022ના રોજ કલાક 12 વાગ્યાના અરસામાં
ફરિયાદીના ભાઈ સુનીલભાની હાજરીમાં આરોપી લખમણભા કરમણભા સુમણિયા મરણજનાર સંતોકબેન સાથે
બોલાચાલી કરતા હતા અને ફરિયાદીના ભાઈ સુનીલભાએ વચ્ચે પડી છોડાવવા જતા આરોપીએ તેની સાથે
ઝઘડો કરતા સુનીલભા કામ ઉપર જતા રહ્યા હતા ત્યારબાદ મૃતક કામ કરવા જાય છે તે બાબતે બપોરે
14-30 વાગ્યાના અરસામાં આરોપીએ સંતોકબેન સાથે ઝઘડો કરી ફળીયામાં પડેલા ધારદાર કુહાડાના
બે ઘા સંતોકબેનના માથા ઉપર મારી પ્રાણઘાતક હુમલો કર્યો હતો અને આરોપીએ પોતે પણ એસીડ
પી લીધું હતું. બનાવ બાદ સંતોકબેન તથા આરોપી લખમણભા બન્નેને દ્વારકા સરકારી હોસ્પિટલમાં
સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં સંતોકબેન મૃત્યુ પામ્યા હતા.
ત્યારબાદ આ કેસ દ્વારકાની સેશન્સ
કોર્ટ ખાતે ચાલી જતા જજ મે.કે.જે.મોદીએ આરોપી લખમણભા કરણભા સુમણીયાને દોષિત ઠેરવી આજીવન
કેદની સજા અને રૂ.15,000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજાનો હુકમ
કરેલો છે.