• મંગળવાર, 01 જુલાઈ, 2025

79 ગુના આચરનાર બધા ભોરા ગેંગ વિરૂધ્ધ ગુજસીટોકની કાર્યવાહી

પોરબંદર, તા.22: પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પ્રોહીબિશન સહિત 79 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે તેવી બધા બોરા ગેંગ વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર  પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર તથા આસપાસના જિલ્લાઓમાં પોતાના સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી વિરૂધ્ધમાં કાર્યવાહી કરવા સુચના આપેલી હતી. જે અનુસંધાને મિયાણી મરીનના ગુનાના કામે  તા.16-6-2025ના રોજ અટક થયેલા આરોપી રાણપર ગામના બધા ભોરાભાઇ શામળા વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલા ગુનાઓ અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇ/ચા. એલ.સી.બી. પો. ઇન્સ. આર.કે. કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા આરોપી બધા ભોરા શામળાના ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરવામાં આવી હતી.

આરોપી બધા ભોરાભાઇ શામળા પોતાની સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી પોરબંદર તથા આસપાસના જિલ્લાઓમાં યુવાધનને દારૂના નશાના રવાડે ચડાવી વિદેશી દારૂની વિપુલ માત્રામાં હેરફેર કરી નાણાંકીય લાભ લેવાના હેતુથી ગુનાહિત ટોળકી બનાવી આ પ્રકારની ગે.કા વિદેશી દારૂની હેરફેર પ્રવૃતિમાંથી કમાયેલ નાણાના ઉપયોગથી અન્યગુનાઓ જેવા કે, ખુનની કોશિષ, સ્વૈચ્છા પૂર્વક વ્યથા, મહાવ્યથા, રાયોટીંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ તથા રાજ્ય સેવક ઉપર હુમલો જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન કર્યો હતો. જેથી સંગઠીત ગુના આચરતી ટોળકીને અંકુશમાં લેવા તથા કાયદાનો પાઠ ભણાવવા ગેંગ લીડર બધા ભોરા તથા તેના સાગરીતો વિરૂધ્ધ પોરબંદર જિલ્લામાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં તથા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાય આવતા પોલીસે કાર્યવાહી કરી છે.

ગે.કા. દેશી તથા વિદેશી દારૂના કુલ 75 તથા ખુનની કોશિષ સ્વૈચ્છા પૂર્વક વ્યથા મહાવ્યથા રાયોટીંગ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ રાજય સેવક ઉપર હુમલા જેવા કુલ 4 ગુનાઓ નોંધાયેલા છે.

ગેંગ લીડર બધા ભોરાભાઇ શામળા વિરૂધ્ધના 35,  અરજણ આલાભાઇ કોડીયાતર -31, મેરામણ ગોગનભાઇ કટારા-11, કરમણ જગાભાઇ કોડીયાતર-11, ધાના આલાભાઇ કોડીયાતર-9, પોપટ પાલાભાઇ હુણ-8, વેજા ભોરાભાઇ શામળા -7 ગુનાઓ નોંધાયેલા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક