પોલીસના સઘન ચાકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં કોર્ટ પરિસર ફરી ખુલ્લો મુકાયો : ડિસ્ટ્રિક્ટ જજને ધમકીભર્યો મેલ આવ્યો હતો
(ફૂલછાબ
ન્યુઝ)
વેરાવળ,
તા.7 : ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળમાં આજે (7 જુલાઇ) સવારના પહોરમાં એક મોટી ઘટના
સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ
મળ્યો હતો. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ બિલ્ડીંગ અને પરિસરને ખાલી કરાવી દેવામાં
આવ્યું હતું. બાદમાં દોડી આવેલી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ
ધરવામાં આવી હતી.
ઘટનાની
પ્રાથમિક વિગતો મુજબ, વહેલી સવારે ઈમેલ દ્વારા આરડીએકસ બોમ્બથી કોર્ટને ઉડાડી દેવાની
ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ તાત્કાલિક
અસરથી કોર્ટનું જૂનું સહિતના ત્રણેય બિલ્ડિંગ અને સમગ્ર સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું
હતું. વકીલો, અસીલો તેમજ અન્ય લોકોને બહાર કાઢી દેવાયા હતા. બાદમાં તાત્કાલિક ધોરણે
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી જેવી સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી
ગઈ હતી. કોર્ટ સંકુલની ત્રણેય ઈમારત સહિત સમગ્ર વિસ્તારમાં લગભગ એક કલાક સુધી સઘન ચાકિંગ
અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાથી વેરાવળમાં સર્જાયેલો ભયનો માહોલ
હવે શાંત પડયો છે.
આ અંગે
ડીવાયએસપી વી.આર.ખેંગારે જણાવ્યું કે, પોલીસ અને બીડીએસની ટીમો દ્વારા કોર્ટના ત્રણ
બિલ્ડિંગ અને પરિસરમાં એક કલાક સુધી સઘન ચાકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ વાંધાજનક
વસ્તુ મળી આવી નથી. જેથી હાલ સંપૂર્ણ કોર્ટ સંકુલને ફરીથી કાર્યરત કરવા માટે ખુલ્લું
મૂકવામાં આવ્યું છે. કોર્ટમાં બેસતા ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ જજને ધમકીભર્યો મેલ આવ્યો
હતો.