(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ,
તા. 7: આવતીકાલ તારીખ 9 જુલાઈના રોજ રાષ્ટ્રીયકૃત બેંકોની દેશવ્યાપી હડતાલને પગલે બેંકો
બંધ રહેશે અને ખાતાધારકોની પરેશાની ભોગવવાની રહેશે. કેન્દ્રીય શ્રમિક સંગઠને આ હડતાલનું
આહ્વાન કર્યું છે. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી, જન વિરોધી અને કોર્પોરેટ સમર્થક
નીતિઓના વિરોધરૂપે આ હડતાલ કરવામાં આવતી હોવાનું ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા
જણાવાયું હતું. આ હડતાલમાં આઈએનટીયુસી, એઆઈટીયુસી, સીઆઈટીયુ સહિત તમામ મુખ્ય શ્રમિક
સંઘટનો અને વિવિધ ક્ષેત્રના સ્વતંત્ર ફેડરેશનો જોડાશે.
આ હડતાલમાં
ઉદ્યોગ, ખનિજ, પરિવહન, બેંકો, વીમા, ટેલિકોમ, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી-આશા
જેવી સેવામાં જોડાયેલા કર્મચારીઓ જોડાય તેવી શક્યતા છે.
યુનિયને
જણાવ્યું હતું કે, બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ
થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓનો અમલ કરવાનું પણ દબાણ છે, આની સામે કર્મચારીઓની સંખ્યા
વધવાને બદલે ઘટતી જાય છે, તેની સામે ખાનગી બેંકોમાં ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓની
સંખ્યા વધતી જાય છે. બેંકોનું ખાનગીકરણ નહીં કરવું અને બેંકોમાં સરકારી હિસ્સાનું વિનિવેષ
નહીં કરવાની પણ માગ છે તેમજ ખાનગી બેંકોનું રાષ્ટ્રીકરણ કરવાની પણ માંગ છે. સારી સેવાઓ
પૂરી પાડવા બેંકોમાં કલાર્ક/પટાવાળાની ભરતી અત્યંત જરૂરી છે. એલઆઇસી અને વીમા ક્ષેત્રે
સીધા મૂડી રોકાણની 100 ટકા છૂટ આપવાનો વિરોધ કરીએ છીએ. ચાર સામાન્ય વીમા કંપનીને એક
કરવાની માગ છે. ખાનગી વિમા કંપનીને પ્રોત્સાહન આપવાની સરકારની માંગનો વિરોધ કરીએ છીએ.
ગુજરાતના લગભગ દસ હજાર બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલમાં જોડાશે.