ફાયર સેફ્ટીના સાધનો ન રાખી દાખવેલી ગંભીર બેદરકારી સહિતના મુદ્દાને ધ્યાને લઈ અપાયો ચુકાદો
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ
તા.7: રાજકોટના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમઝોનમાં
ગત 25 મે 2024ના રોજ લાગેલી ભીષણ આગમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અંગે
તાલુકા પોલીસ ગુનો નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા તે પૈકી ચાર આરોપીઓ
હાલ જેલ બહાર છે જ્યારે 11 આરોપીઓ હજુ પણ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આરોપીઓ પૈકી
સાગઠિયા સહિત 7 આરોપીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી જેમાં બંને પક્ષે દલીલો સાંભળ્યા
બાદ આજે કોર્ટે ફાયર સેફ્ટીના સાધનો ન રાખી દાખવેલી ગંભીર બેદરકારી સહિતના મુદ્દાને
ધ્યાને લઈ તમામની ડિસ્ચાર્જ અરજી રિજેક્ટ કરી છે.
દેશભરમાં
ચકચારી બનેલા રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આરોપીઓને વધુ એક ઝટકો લાગ્યો
છે. 27 નિર્દોષના મૃત્યુ મામલે તાલુકા પોલીસ ગુનો નોંધી એક પછી એક ભાગીદાર, જમીનમાલિક,
મનપા-ફાયરના અધિકારીઓ, વેલ્ડિગ કોન્ટ્રાકટર સહિત 15ની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી
આ જ અગ્નિમાં હોમાઈ ગયો હતો. પકડાયેલા આરોપી પૈકી 7 આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી.
ધવલ ભરતભાઇ ઠક્કર, નિતીન મહાવીરપ્રસાદ લોઢા, પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઇ સાગઠિયા, ગૌતમ
દેવશંકરભાઈ જોષી, જયદીપ બાલુભાઇ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા અને ભીખાભાઇ જીવાભાઇ ઠેબાએ
બિનતહોમત છૂટવા કોર્ટમાં અરજી કરી હતી, જેમાં સ્પેશ્યલ પીપી તુષાર ગોકાણી અને સુરેશ
ફળદુએ દલીલ કરી હતી કે ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનો ન હોવા છતાં ગેમઝોન ચાલુ રાખવામાં
આવ્યો હતો અને અધિકારી તરીકે કાર્યવાહી કરવાની હોવા છતાં મનપા કે ફાયરના અધિકારીઓ દ્વારા
કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી અગ્નિકાંડ જેવી ઘટના સર્જાઇ હતી અને નિર્દોષ લોકોના
મૃત્યુ નિપજ્યાં હતા. કાયદો ક્યારેય મિનિ ટ્રાયલની મંજૂરી નથી આપતો આ સહિતની દલીલો
ગ્રાહ્ય રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી. એસ. સિંગએ તમામ આરોપીઓની અરજી રિજેક્ટ કરવાનો
હુકમ કરેલ છે.