• મંગળવાર, 08 જુલાઈ, 2025

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અરજદારોની સીપી સમક્ષ લેખિત ફરિયાદ એરપોર્ટમાં નોકરીના બહાને યુવાનો સાથે લાખોની ઠગાઇ

નોકરી માટે ગયેલા તાલીમબદ્ધ યુવાનોને રિજેક્ટ કર્યા : કડક કાર્યવાહી કરવા માગ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 7 : રાજકોટના કેકેવી ચોક નજીક આવેલ ઇન્સ્ટિટયૂટમાં ફી ભરપાઈ કરી એક વર્ષની તાલીમ મેળવ્યા બાદ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને એરહોસ્ટેસની નોકરી મેળવવા ગયેલા તાલીમબદ્ધ યુવાનોને રિજેક્ટ કરી દેતા ભોગ બનનાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુવાનોએ ફ્રેન્કફિન ઇન્સ્ટિટયૂટ વિરુદ્ધ મોરચો માંડયો છે કડક કાર્યવાહી કરવાની માગ સાથે મોટી સંખ્યામાં યુવાનો સીપી કચેરીએ ધસી ગયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ રામધૂન બોલાવી હતી.

ભોગ બનનાર યુવાનોએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ શહેરના કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક નજીક આવેલ ફ્રેન્કીન ઇન્સ્ટિટયૂટ દ્વારા એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ફ્લાઇટમાં એર હોસ્ટેસની 100 ટકા નોકરી માટે યુવાનોને વર્ષ 2023-24ની બેચમાં તાલીમ આપવામાં આવી હતી દોઢથી પાંચેક લાખ રૂપિયા સુધીની ફી ભરીને તાલીમ મેળવ્યા બાદ નોકરી મેળવવાની આશાએ ગયેલા યુવાનોને ફ્રેન્કીન ઇન્સ્ટિટયૂટમાંથી તાલીમ મેળવનાર યુવાનોને નોકરી નહીં મળે તેવું જણાવી દેતા બેરોજગાર યુવાનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ભોગ બનનાર યુવાનોએ સીપી કચેરીએ ધસી જઈ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી બીજી તરફ યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે આ ઇન્સ્ટિટયૂટ દ્વારા યુવાનો પાસેથી 11 મહિનાના કોર્ષના નામે કરોડો રૂપિયાની ફી ઉઘરાવી લીધી છે વધુમાં યુવક યુવતીઓ ઇન્સ્ટિટયૂટ ખાતે ફી પરત અપાવવાની માગ સાથે ધસી ગયા હતા અને ત્યાં પણ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો ઇન્સ્ટિટયૂટના સંચાલકો સામે ગુનો નોંધવાની માગ ઉચ્ચારી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક