મુંબઇ તા.27ઃ શ્રીલંકા પ્રવાસની બે ટેસ્ટ મેચની શ્રેણીની ભારતીય ટીમ મંગળવારે લગભગ જાહેર થશે. પસંદગી સમિતિ ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટની રાહમાં છે. રિપોર્ટ મળ્યા બાદ પસંદગી સમિતિની બેઠક મળશે. અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે કારણ કે તે ફિટ જાહેર થઇ ચૂક્યો છે. જયારે વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, નીતિશકુમાર રેડ્ડી, આકાશ દીપ અને અંશુલ કમ્બોજના ફિટનેસ રિપોર્ટ આવવા હજુ બાકી છે.
જો વોશિંગ્ટન સુંદર પસંદગી માટે ઉપલબ્ધ નહીં રહે તો ઓફ સ્પિનર સારાંશ જૈનને તક મળી શકે છે. તેણે શ્રીલંકા એ સામેના ચાર દિવસીય મેચમાં 6 વિકેટ લીધી હતી. બુમરાહ સમયસર ફિટ થઇ જશે તેવા અહેવાલ છે. આથી ટીમમાં તેની સાથે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. આ ઉપરાંત ગુરનુર બ્રાર પણ રેસમાં છે. અફઘાનિસ્તાન સામેના ટેસ્ટમાં 7 વિકેટ લેનાર માનવ સુથાર ફરી ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેનો પહેલો ટેસ્ટ 1પ ઓગસ્ટથી અને બીજો ટેસ્ટ 23 ઓગસ્ટથી
શરૂ થશે.