અમદાવાદ,તા.26 : અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર અન્જિનિયરનું કેનેડામાં કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર રાત્રિના સમયે રોંગ સાઇડમાં પૂરઝડપે આવતા કારચાલકે ભીષ્મ રાજ્યગુરૂની કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ભીષ્મની કાર ફંગોળાઈ બાજુના મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું. આગામી 2 ઓગસ્ટે ભીષ્મનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવશે.
જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ભીષ્મ રાજ્યગુરૂ છેલ્લા
4 વર્ષથી કેનેડાના રીજીનામાં રહેતો હતો. અમદાવાદમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ
કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ભીષ્મ કેનેડા ગયો હતો અને છેલ્લા એક વર્ષથી કાર લીડરશીપ
કંપનીમાં જોબ કરતો હતો.
ભીષ્મ નોકરી પરથી ઘરે પરત ફરી
રહ્યો હતો ત્યારે સાસ્કાચેવાન હાઈવે નંબર-11 પર સામેની લેનમાં પૂરઝડપે આવતી કારે ભીષ્મની
કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ભીષ્મની કાર ઉછળીને બાજુમાં
આવેલા મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ
થયો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે. કાર અકસ્માતમાં ભીષ્મને ગંભીર ઈજા પહોંચી હતી.
ઇન્ટર્નલ બ્લાડિંગ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ભીષ્મના મિત્રો
અને ગુજરાતી સમાજના લોકોને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ભીષ્મની
કારને ટક્કર મારનાર કારચાલક રસ રાઇડિંગ ગેમનો કેપ્ટન જેડન ડેલ્ક્સ હતો. અકસ્માત કરનાર
કારચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે.