(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.27: ગુજરાતના નવસારીમાંથી
ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસ પૂર્વે આતંકી ષડયંત્રના કેસમાં એટીએસ દ્વારા ઝડપાયેલા
આતંકી ફૈઝાન વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
છે. તપાસ એજન્સીએ પોતાના રિપોર્ટમાં આતંકી કાવતરાને લઈને અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા
કર્યા છે. ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી નવસારીમાં
દરજી તરીકે કામ કરતો ફૈઝાન ઉર્ફે ફૈઝાન શકીલ સલમાની જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા
પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંલગ્ન હોવાનો તથા ઓનલાઈન કટ્ટરપંથી વિચારોના પ્રચાર
કરવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. એનઆઈએ તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ
કાયદો (યુએપીએ), ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ
દાખલ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે તે
કથિત રીતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાની સાજિશનો ભાગ હતો અને આ કાવતરાંને
આગળ વધારવા માટે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના એક ઓપરેટિવના સંપર્કમાં હતો. તપાસમાં
એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તે ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન
પહોંચાડવાના હેતુથી હિંસક જેહાદ અને સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપતો હતો. આરોપીએ કથિત
રીતે સાંપ્રદાયિક તણાવ ફેલાવવા અને ટાર્ગેટ કાલિંગ જેવી હિંસક પ્રવૃત્તિઓ માટે યોજના
બનાવી હોવાનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 25 જાન્યુઆરીએ ગુજરાત એટીએસએ
નવસારીમાંથી ફૈઝાન સલમાનીની ધરપકડ કરી હતી. તે લોન વુલ્ફ તરીકે કામ કરી રહ્યો હોવાનો
એટીએસે આરોપ મૂક્યો હતો.
એટીએસની તપાસમાં મહત્ત્વપૂર્ણ
બાબત સામે આવી હતી કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને કટ્ટરપંથી
વિચારધારા તરફ આકર્ષવા પ્રયાસ કરતો હતો. એજન્સી આ ડિજીટલ પુરાવાઓના આધારે વધુ તપાસ
કરી રહી છે.