(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.27: અમદાવાદના રામોલ
વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સાત દિવસના પોલીસ
રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિક સૈયદને મેટ્રો
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી
જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
18 જુલાઈએ થયેલા બ્લાસ્ટમાં ચાર
સગીરા સહિત કુલ 10 લોકોના મૃત્યુ થયા હતા. ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા
હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસે ગેરકાયદે
ફટાકડાની ફેક્ટરી ચલાવવાના મામલે અનેક પાસાઓની તપાસ કરી છે. સરકાર પક્ષના જણાવ્યા મુજબ,
હજુ પણ તપાસ પૂર્ણ થઈ નથી અને આરોપીઓના અન્ય ભાગીદારો, અન્ય કોઈ ગેરકાયદે ફેક્ટરી અથવા
દારૂખાનાનો જથ્થો અન્યત્ર સંતાડયો છે કે નહીં? તેની તપાસ ચાલુ છે. સાથે જ આરોપીઓના
મોબાઇલ રિકવર કરી કોલ ડેટા રેકોર્ડના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ
ધરાઈ રહી છે. સરકારી વકીલ ભરત બારોટે જણાવ્યું હતું કે, આ કેસમાં હજુ અનેક મહત્વપૂર્ણ
કડીઓ જોડવાની બાકી છે. આરોપીઓના અન્ય સાગરિતો, ડિજીટલ પુરાવા તેમજ સંભવિત અધિકારીઓની
ભૂમિકાની તપાસ ચાલુ છે. તપાસના આધારે જરૂર પડશે તો વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવામાં
આવશે.