• મંગળવાર, 08 જુલાઈ, 2025

બાબરાના ઇંગોરાળામાંથી 2.80 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી પોલીસ

28 લાખનો મુદ્દામાલ જપ્ત : તાલુકો બન્યો દારૂ કટીંગનું હબ

બાબરા, તા.7:  બાબરા તાલુકામાં છેલ્લા એકાદ વર્ષથી દેશી વિદેશી દારૂના વેપલા સામે રાજકીય બાબુનું મૌન અને પોલીસ  મિલીભગતથી ચાલતા ષડયંત્રની વ્યાપક ચર્ચા વચ્ચે થોડા સમય પહેલા બાબરા પોલીસે બિન વારસી હાલતમાં પડેલ પીકઅપ બોલેરોમાંથી દારૂ ઝડપ્યા બાદ ગત મોડી રાત્રે આજે ઓપરેન્ડીથી બાબરાના ઇંગોરાળા ગામથી પીર ખીજડીયા જવાના રસ્તા નજીક રેઢી હાલતમાં મળેલા કન્ટેનરમાંથી રૂપિયા 2,79,990ની કિંમતની 1800 બોટલ દારૂ ભરેલું 25 લાખનું કન્ટેનર અને એક 30 હજારની કિંમતનું બાઇક જપ્ત કરી બંને વાહનોના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

મળતી વિગત મુજબ બાબરા પોલીસને દારૂનું મોટા પાયે કટિંગ થનાર હોવાની મળેલી બાતમી આધારે ઇંગોરાળા ગામે દોડી જતા સ્મશાન નજીક અંધારામાં ટાટા કંપનીનું કન્ટેનર મળી આવેલું અને નજીકમાં રાખેલું બાઇક મળી આવતા બંધ બોડીનું કન્ટેનર ખોલી જોતા અંદરથી જુદી જુદી બ્રાંડના પરપ્રાંતના ઇંગ્લીશ દારૂની કુલ 1800 બોટલ તથા કન્ટેનર અને બાઇક સહિતનો રૂપિયા 28,09,990 નો  મુદ્દામાલ ઝપ્ત કરી અજાણ્યા વાહન ચાલકો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રેઢી હાલતમાં પકડેલા કન્ટેનરમાં મીરા કન્ટેનર અને પાછળના ભાગે ડાક પાર્સલ લખ્યાનો ઉલ્લેખ જોવા મળે છે બન્ને વાહનોના નંબર આધારે તપાસ શરૂ છે.

સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ બાબરા તાલુકો રાજકોટ ભાવનગર અને બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની છેવાડાની બોર્ડરને જોડતો તાલુકો હોવાથી આ વિસ્તારમાં કોઇ પણ દિશામાંથી દારૂ ભરેલા વાહનો આસાનીથી પસાર થાય છે અને રીઢા બુટલેગરો તાલુકાના ઉંડાઇના ગામોમાં મોટી માત્રમાં દારૂના ભારે વાહનો મારફત કટિંગનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક