પિતા-પુત્રને રાજકોટ ખસેડાયા : 10 સામે રાયાટિંગ, આર્મ્સ એકટ સહિતનો ગુનો
રાજકોટ,
તા.7: રાજકોટ જિલ્લાના વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં વાડીએ કાર અને બાઈકમાં ધસી
આવેલા 10 શખસોએ રિવોલ્વર, તલવાર, કુહાડી, લાકડી વડે હુમલો કરતા ચારને ઈજા થતાં પિતા-પુત્રને
સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરતાં વૃદ્ધની
ફરિયાદ પરથી વિંછિયા પોલીસે રાયાટિંગ, આર્મ્સ એકટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
ધરી છે.
વિંછિયાના
મોટા માત્રા ગામે રહેતા વસ્તુભાઈ ભુરાભાઈ ખાચર ઉ.65 નામના વૃધ્ધે ગામના જ અશ્વિન રૂખડ
ખાચર, વનરાજ રૂખડ ખાચર, મુન્ના રૂખડ ખાચર, કુલદીપ શિવકુ ખાચર, ભગુ વસ્તુ ખાચર, વિજય ભરત ખાચર, કાનો ઉર્ફે પ્રવીણ
પ્રતાપ ધાધલ, પ્રતાપ ધાધલ, મુનો ઉર્ફે કિરણ
અનક ધાધલ અને ચોટીલાના ઢોકળવા ગામે રહેતા સોમલ વિહા ધાધલ સામે વીંછિયા પોલીસમાં નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.5/7ના તે તેનો મોટો પુત્ર રણજીત તથા નાનાભાઈ, ભત્રીજો
રાજદીપ સહિતના બધા ગામની સીમમાં આવેલી વાડીએ હતા ત્યારે ત્યાં કાર ધસી આવી હતી તેમાંથી
અશ્વિન તલવાર અને રિવોલ્વર લઇ, કુલદીપ હાથમાં લાકડી અને દેશી તમંચો લઈને આવ્યા હતા
અન્ય આરોપી કાર અને બાઈકમાં લાકડી કુહાડી સહિતના હથિયાર સાથે ધસી આવ્યા હતા અને હુમલો
કર્યો હતો જેમાં બહાદુરભાઈ અને તેના પુત્ર રાજદીપને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે ફરિયાદી
વૃધ્ધને હાથમાં તલવારનો ઘા મારી દીધો હતો અને તેના પુત્ર રણજીતને પગમાં કુહાડી તેમજ
લાકડીથી માર માર્યો હતો જેથી પિતા-પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
ફરિયાદીના નાનાભાઈના પુત્ર કિશોરને છેલ્લા છ માસથી માથાકૂટ ચાલતી હોય જેનો ખાર રાખી
રિવોલ્વર, તમંચા જેવા હથિયાર બતાવી ધમકી આપી તલવાર, કુહાડી અને લાકડી વડે હુમલો કરી
ઇજા પહોંચાડી હોવાનું જણાવતા વીંછિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
કરી
હતી.