• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

વીરપુરમાં દિવાળી :ઘરે ઘરે દીવા-રોશનીના શણગાર સાથે જલારામ જયંતીની ઉજવણી

સુરતથી 11 ભક્તો ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડમાં વીરપુર પહોંચ્યા, દર્શન માટે 1 કિલોમીટર    લાંબી લાઈન

જય જલીયાણના નાદ સાથે ગામે ગામથી માનવ મહેરામણ ઉમટી પડયું

વીરપુર, તા.19 : (ફૂલછાબ ન્યુઝ) દિવાળીએ તો ઘરે ઘરે રંગોળી થતી જ હોય છે, પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામ ખાતે જલારામ બાપાની 224મી જન્મ જયંતી નિમિત્તે ઘરે ઘરે દીવડા અને રોશનીના શણગારથી આજે દિવાળી જેવો માહોલ હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મંદિરની બન્ને બાજુ 1 કિલોમીટર સુધીની ભક્તોની લાઈનો લાગી હતી. મંદિરના દ્વાર પાસે બેન્ડ પાર્ટી રાખવામાં આવી હતી.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ફાઇનલ રમાઈ હતી ત્યારે આખો દેશ ક્રિકેટમય બન્યો હતો. જલારામ બાપાના ભક્તો પણ આમાંથી બાકાત નહોતા. સુરતથી 11 ભક્તો ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડ સાથે વીરપુર આવી પહોંચ્યા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકણાં ગામથી મંડળ છેલ્લા 17 વર્ષથી વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવે છે. આ મંડળ છેલ્લા 17 વર્ષથી વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવે છે.

જલારામ મંદિર પાસે રામજી મંદિર ચોકમાં મહેશભાઈ ઠક્કર બારડોલીવાળા તરફથી સતત 10 વર્ષથી જલારામબાપાની જન્મ જ્યંતી નિમિત્તે ભક્તોને ગાંઠિયા, જલેબી, ચિપ્સનો નાસ્તો કરાવવામાં આવે છે.આજે આશરે 20 હજાર જેટલા ભક્તોએ નાસ્તો કયો હતો. બાપાના દરબારમાં આજે બપોરે સદાવ્રત ખાતે પ્રસાદમાં દાળ, ભાત, શાક, રોટલી, ગુંદી અને ગાંઠિયા અને સાંજે સદાવ્રતમાં પ્રસાદમાં કઢી, ખીચડી, શાકનો પ્રસાદ અપાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક