ટી20 વિશ્વકપ પહેલા બંગલાદેશની વધુ એક શરમજનક હરકત
નવી દિલ્હી, તા. 17 : ટી20 વિશ્વકપ 2026 પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)નું બે સભ્યનું પ્રતિનિધિમંડળ બંગલાદેશ જશે તેવા અહેવાલ સામે આવ્યા હતા. હવે અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંગલાદેશ પ્રવાસ માટે ગયેલા આઈસીસી પ્રતિનિધિમંડળના એક ભારતીય અધિકારીને વિઝા મળ્યા નથી. બંગલાદેશના સ્થાનિક મીડિયામાં આ દાવો કરવામાં આવ્યો હતો. બંગલાદેશની આ હરકતથી તણાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે.
દાવો છે કે આઈસીસીના હેડ ઓફ એન્ટી કરપ્શન એન્ડ સિક્યોરિટી એન્ડ્રૂ એફગ્રેવને 17 જાન્યુઆરીના રોજ એકલા બંગલાદેશ પહોંચવું પડયું હતું. તેમની સાથે જનારા વરિષ્ઠ આઈસીસી અધિકારી ભારતીય નાગરીક હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર તેઓને સમયે વીઝા નહોતા મળ્યા. આ પ્રવાસ આઈસીસી અને બીસીબી વચ્ચે ઉચ્ચ સ્તરની વાતચીતનો અંતિમ તબક્કો માનવામાં આવે છે. ટી20 વિશ્વકપની શરૂઆત સાતમી ફેબ્રુઆરીથી થવાની છે. જો કે તેની પહેલા જ આયોજન ઉપર સંકટ છવાયું છે.
હકીકતમાં બંગલાદેશ સરકાર અને ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોનો હવાલો આપીને આઈસીસીને અનુરોધ કર્યો હતો કે ભારતમાં થનારા તેના ગ્રુપ સ્ટેજ મેચને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. ટી20 વિશ્વકપ શરૂ થવામાં ત્રણ અઠવાડીયાથી પણ ઓછો સમય બચ્યો છે. જો વિવાદનો ઉકેલ નહી આવે તો ટૂર્નામેન્ટની પૂરી યોજના જોખમમાં પડી શકે છે. હવે સૌની નજર આઈસીસીના પ્રતિનિધિમંડળ ઉપર છે.