સુરતમાં
પરિણીતાના આપઘાત કેસમાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સુરત,
તા.16: સુરતના ઈચ્છાપોરમાં રહેતી એક પરિણીતાએ પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી આત્મહત્યા
કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પતિએ મારપીટ કરી ઘરમાં તેલ પડયું છે, મરી જા
એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્થાન કરી લીધું હતું.
એટલું જ નહીં પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો પણ બનાવ્યો હતો. જેથી ઈચ્છાપોર
પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.
મળતી
માહિતી મુજબ બિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા (ઉં.64)ની 31 વર્ષીય દીકરી પ્રતિમાદેવીના
લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં
રહે છે. રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં પુત્રી પ્રિયા,
પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો.
રંજિત ગેરેજમાં નોકરી કરી ગુજરાન ચલાવતો છે. દરમિયાન ગત તા.4 જાન્યુઆરીના રોજ પ્રતિમાએ
શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાની વાત
કરી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
થયુ હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ
હોવાની વાત કરી હતી. જેના આધારે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
બનાવ
અંગે બાળકોને પૂછતાં એવું જાણવા મળ્યું કે મકાનના ધાબા પર પાડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા
હતા, જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કર્યું હોવાની શંકા રાખી
પિતાએ બન્ને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. પતિ રંજિતની
બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો ? એવું કહેતા રંજિતે પ્રતિમા
પર ભારે ગુસ્સો કરી મારઝૂડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી.
એ સમયે રંજિતે ‘ઘરમાં તેલ પડયું છે, એ લઈ સળગી જા’ એવી ઉશ્કેરણી કરતાં પ્રતિમા ડીઝલ
શરીરે છાંટી સળગી મરી હતી. એ સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો
અને તેને સળગવા દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં
આવી હતી, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યુ હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા
હરબંશ છબીલા સહાની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સહા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા
સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું
હતું કે, ઘટના સ્થળેથી મળેલા પુરાવા, વીડિયો-ક્લિપ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ
તપાસ હાથ ધરવામાં આવી છે.