આરોપી ચોરીના ગુનામાં જેલમાં
હતો
અમદાવાદ, તા.17: અમદાવાદની સાબરમતી
સેન્ટ્રલ જેલમાં બંધ એક કેદીએ વહેલી સવારે બાથરૂમમાં જઇ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં
દોડધામ મચી ગઇ છે. મૃતક કેદીની ધરપકડ હજુ નવ દિવસ પહેલા જ કરવામાં
આવી હતી.
મૃતકની ઓળખ 31 વર્ષીય નિશાનસિંહ
તરીકે થઇ છે, જે મૂળ પંજાબનો વતની હતો. વિરમગામ રેલવે પોલીસે ગત 8 જાન્યુઆરીના રોજ
તેની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં કાચા
કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. જેલના શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર -4 માં
નિશાનસિંહે પોતાની પાઘડી ઉતારી તેના કપડાનો ઉપયોગ કરી બાથરૂમમાં ગળેફાંસો ખાઇ લીધો
હતો.
ઘટનાની જાણ થતા જ જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અંગે રાણીપ પોલીસે તપાસ આદરી છે.