• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભાવનગરના કુંભારવાડામાં નજીવી બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

ભાવનગર, તા.16: ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં  હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા પાંચ શખસે યુવાન પર છરી અને ધરિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકને છાતી, પડખામાં છરી અને માથામાં ધારિયાનો ધા મારતા ઢળી પડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કર્વાટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદ (ઉં. વ. 23)ના યુવાનની નજીવી બાબતે નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ મામલે મૃતકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી હતીકે રાત્રિના સાડા બાર વાગ્યાના સમયે કાકા જાહીદભાઈના ઘરની નજીક હોબાળો થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં શેરીમાં રહેતા નદીમ મનસુર સોરઠિયા, સલીમ કાસમ સોરઠિયા અને સાહિલ રસુલ શાહ સહિતના સાહીલ પર હુમલો કરતા જોવા મળ્યા હતા. નદીમ અને સલીમ પાસે છરી, જ્યારે સાહિલ શાહ પાસે ધારિયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ગંભીર રીતે લોહીલુહાણ બનેલા સાહીલને પહેલા રિક્ષામાં અને બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી નદીમ દ્વારા એક્ટિવા માગવામાં આવી હતી અને ઇનકાર કરતા આ ઝઘડો થયો હતો.

બનાવની જાણ થતા  બોરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ પોલીસે આ બનાવમાં સંડોવાયેલા નદીમ મનસુરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠિયા તથા સીદીક સલીમભાઈ સોરઠિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક