• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

‘પ્રવાસના આયોજન પહેલા જ ગિરીશ ભીમાણીની મેલી મુરાદ હતી’

એબીવીપી દ્વારા સનસનીખેજ આક્ષેપ : આબુ ખાતે ગિરીશ ભીમાણીના કૃત્યના સી.સી.ટી.વી. ફૂટેજ રજૂ કરાયા

અમરેલી, તા. 16: આ પ્રવાસના આયોજન પહેલાં જ ગિરીશ ભીમાણીની મેલી મુરાદ હતી. સાંજે પ્રવાસ અમરેલીથી રવાના થાય તેવું આયોજન કરાયું હતું પરંતુ આ શખસ દ્વારા પ્રવાસ રાત્રે ઉપડે તે માટે થઈને દબાણ કરવામાં આવ્યું હતું, એમ અમરેલી એ.બી.વી.પી.ના નીતિન નકુમે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી સામે આબુ પ્રવાસમાં વિદ્યાર્થિનીઓની છેડતી કર્યાની ઘટના બાદ આજે એબીવીપી દ્વારા આ સંદર્ભે સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા હતા.

નીતિન નકુમે ઉમેર્યું હતું કે, ત્યાર બાદ ગિરીશ ભીમાણી આ કોલેજનાં પ્રવાસ પાછળ આબુ પહોંચ્યો હતો. અને પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ એક ઠંડા પીણાની દુકાને તથા આઈક્રીમ પાર્લરમાં ગઇ હતી ત્યારે આ શખસ દ્વારા જાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરાઈ હતી. આ ઘટનાં બાદ આ પ્રવાસ અમરેલી પહોંચતાં અમરેલી એ.બી.વી.પી.ના કાર્યકરો દ્વારા આ ઘટના અંગે વિદ્યાસભા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગણી કરતાં આ વિદ્યાસભાના એક  ટ્રસ્ટી દ્વારા મામલાને રફેદફે કરવાં માત્ર ગિરીશ ભીમાણીને સેવા મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં. બાદમાં એ.બી.વી.પી.ના કાર્યકરો વિદ્યાર્થિનીઓ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવા સાથે ફરિયાદ કરવાં માટે થઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. પણ ત્યાં પણ આ બનવાની ફરિયાદ કે ગિરીશ ભીમાણી વિરુદ્ધ અરજી લેવાની ફરજ પરના પોલીસ કર્મીએ ના પાડી દેવામાં આવી હતી, તેવો પણ આક્ષેપ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ત્યાર બાદ અમરેલી વિદ્યાસભાના કોલેજ વિભાગનાં કેમ્પસ ડાયરેક્ટ તરીકે જોડાયેલા ગિરીશ ભીમાણીના કાળા કરતૂતો અમરેલી એ.બી.વી.પી. દ્વારા જાહેર કરાયા હતા. આજે અમરેલી ખાતે વિદ્યાસભા સંકુલમાં આવેલી બી.સી.એ. કોલેજ ખાતે અમરેલી એ.બી.વી.પી. દ્વારા ‘િગરીશ ભીમાણી હાય હાય, ગિરીશ ભીમાણી મુર્દાબાદ’ નારા લગાવી આંદોલન શરૂ કરાયું હતું. આજે સવારે અમરેલી એ.બી.વી.પી. દ્વારા એક પ્રેસ કોન્ફરસ પણ કરી હતી. જેમાં આબુ ખાતે ગિરીશ ભીમાણીએ કરેલ કૃત્યના સી.સી.ટી.વી. ફૂટેજ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક