તબીબ પરિવાર દુબઇ ફરવા ગયો હતો
: 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયાની ચોરી
અમદાવાદ,તા.17: માણેક બાગમાં
રહેતા આંખના ડૉક્ટર સુનિલ શાહના ઘરમાંથી દોઢ કરોડની ચોરી થઈ છે. ઉત્તરાયણ દરમિયાન પત્ની
અને પુત્ર સાથે પાંચ દિવસ દુબઈ ટૂર ઉપર ગયા તે દરમિયાન ડૉક્ટરના માણેકબાગ સોસાયટીના
બંગલાની બારીની ગ્રીલ તોડીને તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા. બે બેડરૂમના તિજોરી અને ગુપ્ત
લોકર તોડીને તસ્કરો રોકડા રૂ. 45 લાખ ઉપરાંત 203 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા
હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવાઈ છે.
આંબાવાડીની માણેકબાગ સોસાયટીના
બંગલા નંબર 105માં રહેતા આંખના ડૉક્ટર સુનિલભાઈ અમૃતલાલ શાહ તેમના પત્ની સાથે રહે છે
અને પુત્ર પુના અભ્યાસ કરે છે. મકરસંક્રાંતિની રજા હોવાથી આવેલા પુત્ર અને પત્ની અર્ચિતાબહેન
સાથે ડૉ સુનિલ દુબઈ ફરવા માટે ગયા હતા. તા. 11ના રોજ દુબઈ ગયા ત્યારે સોના-ચાંદીના
દાગીના અને રોકડ રકમ ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં તિજોરી અને બેડરૂમના વોર્ડરોબના
ગુપ્ત લોકરમાં મુક્યા હતા. તા. 16ના સવારે પરિવાર દુબઈ ફરીને પરત ફર્યો અને ઘરમાં પ્રવેશ્યો
ત્યારે હોલના સોફા ઉપર એક બેગ ખુલ્લી હતી અને ડોક્યુમેન્ટ વેરણછેરણ હોવાનું જોયું હતું.
કોઈ વ્યક્તિ ચોરી કરવા ઘુસ્યા હોવાનું જણાતાં સીસીટીવી જોવા માટે ગયાં તો ડીવીઆર પણ
ચોરાઈ ગયું હતું અને સીસીટીવી કેમેરા પણ તોડી નંખાયા હોવાનું જણાયું હતું. તસ્કરો બે
બેડરૂમમાં તિજોરી અને ગુપ્ત લોકરમાંથી રોકડા રૂપિયા 45 લાખ ઉપરાંત 203 તોલા વજનના સોનાના
દાગીના, સિક્કા, સોનાના બિસ્કીટો મળી કુલ 1.47 કરોડની મતાની ચોરી કરી હતી. તસ્કરો પાંચ
ડાયમંડ સેટ, ડાયમંડ બ્રેસલેટ અને કડા, છ વિંટી, સોનાના 16 સેટ, ચાર પાટલા, 10 બંગડી,
2 સોનાના ટીક્કા, 500 ગ્રામ સોનાના સિક્કા અને બિસ્કીટ, વિંટીઓ ઉપરાંત ચાંદીના દાગીના
અને ડીવીઆર ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે જણાવ્યું કે, કોઈ
જાણભેદુ શખ્સની આ ચોરીમાં સંડોવણી હોવાની આશંકાના આધારે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં
આવી છે.