નવી
મુંબઇ, તા.16: યુપી વોરિયર્સની બેટર હરલીન દેઓલે સાબિત કર્યું છે કે કિસ્મત બદલવી ખુદના
હાથમાં હોય છે. ગઇકાલના ડબ્લ્યૂપીએલ મેચમાં હરલીનની 64 રનની અણનમ ઇનિંગની મદદથી મુંબઇ
ઇન્ડિયન્સ વિરુદ્ધ યુપી વોરિયર્સનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. ડબ્લ્યૂપીએલના
14મીના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હરલીન દેઓલ 36 દડામાં 7 ચોક્કાથી 47 રને રમી
હતી ત્યારે તેને રિટાયર્ડ આઉટ કરી દેવાનો ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો હતો. જો કે હરલીન
પછી યુપીની અન્ય કોઇ બેટર રન ગતિ ઝડપી બનાવી શકી ન હતી અને દિલ્હીની આસાન જીત થઇ હતી.
હવે આ ઘટનાના 24 કલાકમાં હરલીન દેઓલે શાનદાર વાપસી કરીને મુંબઇ સામે તેની ટીમ યુપી
વોરિયર્સને જીત અપાવી છે.
મુંબઇ
ટીમે યુપી સામે 162 રનનો ટાર્ગેટ મુકયો હતો. જે યુપી ટીમે હરલીન દેઓલના અણનમ 64 રનની
મદદથી 19 ઓવર પહેલા હાંસલ કરીને સીઝનની પહેલી જીત નોંધાવી હતી. મેચ બાદ હરલીને જણાવ્યું
કે ગત મેચને લીધે મારા પર દબાણ ન હતું. મેં ફક્ત મારી નેચરલ ગેમ પર ફોકસ કર્યું હતું.
હવે ટીમના વિજયમાં યોગદાનથી ખુશ છું અને હળવાશ મહેસૂસ કરી રહી છું.