• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

અંડર-19 વિશ્વકપ : બંગલાદેશ સામે ભારતની રોમાંચક જીત


વૈભવે કરેલો કેચ ગેમચેન્જર બન્યો : સૂર્યવંશી-અભિજ્ઞાનની અર્ધસદી, વિહાને લીધી 4 વિકેટ : બંગલાદેશ સામે 18 રને વિજય

 નવી દિલ્હી, તા. 17 : આઈસીસી મેન્સ અંડર-19 વિશ્વકપ 2026માં ભારતીય ટીમનો સામનો બંગલાદેશ સામે થયો હતો. મુકાબલામાં ભારતીય ટીમે ડીએલએસ નિયમ હેઠળ 18 રને રોમાંચક જીત મેળવી હતી. આ જીતમાં વૈભવ સુર્યવંશીનો કેચ ગેમ ચેન્જર સાબિત થયો હતો. બંગલાદેશને જીત માટે 29 ઓવરમાં 165 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. જો કે પુરી ટીમ 146 રનમાં જ ધરાશાયી થઈ હતી.

ભારતીય ટીમની વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી જીત રહી છે. ભારતે અમેરિકાને ડીએલએ નિયમ હેઠળ 6 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. હવે બંગલાદેશ સામે પણ ભારતીય ટીમે જોરદાર રમત બતાવી છે.  ચેઝમાં ઉતરેલી બંગલાદેશની શરૂઆત સારી રહી નહોતી અને પહેલી જ ઓવરમાં જવાદ અબરારની વિકેટ પડી હતી. જે દિપેશ દેવેન્દ્રનનો શિકાર બન્યો હતો. બાદમાં રિફત બેગ અને અજીજૂલ હકીમ તમીમે મળીને બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. રિફતને કનિષ્ક ચૌહાણે પોતાની ફિરકીમાં ફસાવ્યો હતો.

વરસાદના કારણે ટાર્ગેટ સંશોધિત કરવામાં આવ્યો તો ભારતીય બોલરો ઉપર દબાણ આવી ગયું હતું. જો કે બોલરોએ કમાલ કરી હતી. વિહાન મલ્હોત્રાએ કલામ સિદ્દીકીને આઉટ કરીને ત્રીજો ઝટકો આપ્યો હતો. બાદમાં વિહાને શેખ પાવેઝ જિબોનને પણ ચાલતો કર્યો હતો. ખિલન પટેલે કેપ્ટન અજીજુલ હકીમ તમીમને આઉટ કરીને પાંચમી સફળતા અપાવી હતી. તમીને 72 બોલમાં 51 રન કર્યા હતા.

ત્યારબાદ સમિયુન બસીર રતુલ (2 રન)ને વિહાને આઉટ કરીને બંગલાદેશની છઠ્ઠી વિકેટ પાડી હતી. ખિલાને ફરીદ હસન ફૈસલને એક રને આઉટ કર્યો હતો અને સાતમી સફળતા મળી હતી. બાદમાં તો બંગલાદેશની ઈનિંગ પુરી થવામાં વાર લાગી નહોતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 48.4 ઓવરમાં 238 રન કર્યા હતા. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 12ના સ્કોરે જ બે વિકેટ ગુમાવી હતી. આયુષ મ્હાત્રે છ રને અને વેદાંત ત્રિવેદી શુન્યમાં આઉટ થયા હતા. બાદમાં વૈભવ સુર્યવંશી અને વિહાન મલ્હોત્રા વચ્ચે ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી થઈ હતી. વૈભવે 30 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. વૈભવનો સાથે અભિજ્ઞાન કુંડૂએ આપ્યો હતો. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. વૈભવે 67 બોલમાં 72 રન કર્યા હતા. અભિજ્ઞાને મહત્વની ઈનિંગ રમતા 82 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. તે આઉટ થનારો નવમો ખેલાડી બન્યો હતો. તેણે 112 બોલમાં 80 રન કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક