• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

હોલકર સ્ટેડિયમની કાળી માટીની પિચ પર સ્ટ્રોકફૂલ બેટર્સ ફાયદામાં

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે ઇન્દોરમાં ત્રીજો અને નિર્ણાયક વન ડે મેચ

ઇન્દોર તા.16: ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી જીત માટે રવિવારે અહીંના હોલકર સ્ટેડિયમ પર કાંટે કે ટક્કર થશે. ઇન્દોર મેચમાં જીત મેળવનાર ટીમના નામે વન ડે શ્રેણી થશે. વડોદરામાં ટીમ ઇન્ડિયાની અને રાજકોટમાં કિવિઝ ટીમની જીત થઇ હતી. હવે અહીંના હોલકર સ્ટેડિયમની બેટિંગ ફ્રેન્ડલી મનાતી પિચ પર રોમાંચક મેચ જોવા મળશે. રિપોર્ટ અનુસાર ઝાકળને લીધે અહીં બીજો દાવ લેનાર ટીમ ફાયદામાં રહેશે. ઝાકળને લીધે બોલરોને નુકસાન થશે. કારણ કે દડો ભીનો થશે. આથી બોલર્સ માટે લાઇન-લેન્થ જાળવવી કઠિન બની રહેશે. આથી ટોસ જીતનાર ટીમ અહીં પહેલા ફિલ્ડીંગ પસંદ કરી શકે છે.

બીજા વન ડેમાં ભારતીય બોલિંગ લાઇન અપની કેટલીક ખામીઓ ઉજાગર થઇ હતી. નિરંજન શાહ સ્ટેડિયમની ધીમી પિચનો ભારતીય બોલર અને ખાસ કરીને સ્પિનર્સ ફાયદો લઇ શકયા ન હતા. આથી ત્રીજા અને ફાઇનલ સમાન વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં ફેરફારને અવકાશ છે. પ્રસિધ્ધ કૃષ્ણાને સ્થાને અર્શદીપ સિંઘને તક મળવાની પૂરી સંભાવાના છે. આ ઉપરાંત નીતિશકુમાર રેડ્ડીના સ્થાને આયુષ બદોનીને પદાર્પણની તક મળી શકે છે.

હોલ્કર સ્ટેડિયમની પિચને પાટા પિચ કહેવામાં આવે છે. અહીં બાઉન્ડ્રી પણ પ્રમાણમાં ટૂંકી છે. આઉટફિલ્ડ તેજ છે એટલે રનનો ખડકલો થશે. પ્રથમ દાવ લેનાર ટીમ ઓછામાં ઓછો 300 ઉપરનો સ્કોર કરવા માંગશે.

હોલ્કર સ્ટેડિયમની પિચ કાળી માટીથી તૈયાર કરવામાં આવી છે. કયૂરેટર મનોહર જામલે કહ્યું છે કે પરંપરાગત રીતે અહીંની પિચ બેટધરો માટે અનુકુળ રહે છે, પણ તે જીવંત હશે અને બોલરોને પણ મદદ મળશે. ઇન્દોરની પિચ પર ફાસ્ટ બોલરને સ્વિંગ મળતા નથી. દડો ટપ્પો થયા પછી સીધો જ બેટ પર આવે છે. આથી ફ્રંટફૂટ પર રમાનાર બેટર્સને સ્ટ્રોકફૂલ બેટિંગ કરવાનો મોકો મળી રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક