• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

મજૂર મહાજન સંઘ દ્વારા મજૂરો પાસેથી 5% ફાળાના નામે સવા કરોડનું ખંડણી કૌભાંડ !

વૃદ્ધ અને વિધવા મજૂરોની મહેનતની કમાણીમાંથી ફાળો વસૂલવાનો અધિકાર કોઈ સંસ્થાને નથી. : ડૉ. મનીષ દોશી

અમદાવાદ,તા.17: ગુજરાતના મજૂર આંદોલનના ઇતિહાસમાં મજૂર મહાજન સંઘનું સ્થાન ભૂતકાળમાં ગૌરવપૂર્ણ રહ્યું છે. આ સંસ્થાએ ગરીબ, શોષિત અને પીડિત મજૂરોના હિત માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ આજે અત્યંત દુ:ખ અને ચિંતા સાથે કહેવું પડે છે કે એ જ સંસ્થા સામે ગરીબ મિલ મજૂરોની મહેનતની રકમને લઈને ગંભીર અને ચિંતાજનક આરોપો ઊભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે બંધ મિલોના કામદારો અને તેમના વારસદારોને મળનારી રકમ સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવાની રહેશે, જેથી કોઈ મધ્યસ્થી દ્વારા શોષણ ન થાય. તેમ છતાં, મજૂર મહાજન સંઘ દ્વારા તેમના કાર્યાલય ખાતે બોર્ડ લગાવીને કામદારો પાસેથી મળનારી રકમમાંથી મીનિમમ 5 ટકા ફાળો આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. કામદારોને મળનારી કુલ રકમમાંથી 5% ફાળો ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે રકમ રૂ. 1,29,38,451 થાય છે. આ કોઈ સેવા નથી, પરંતુ ખુલ્લેઆમ ગેરકાયદે ખંડણી છે અને હાઈકોર્ટના આદેશની સીધી અવગણના સમાન છે.  ભૂતકાળમાં પણ પ્રસાદ મિલના પણ આજ રીતે એક કરોડ 25 લાખથી વધારે રૂપિયા ઉઘરાવાયા હતા. આમ પ્રસાદ સહિતના બંધ મિલોના ગરીબ મજૂરો પાસેથી આ જ રીતે  ગેરકાયદે  ફાળો ઉઘરાવવાની ફરિયાદો સામે આવી ચૂકી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી અને જાગૃત નાગરિક અનીશ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટને આ બાબતે સુઓમોટો સંજ્ઞાન લેવા વિનંતી કરતો પત્ર પણ લખવામાં આવ્યો છે તથા મજૂર મહાજન કાર્યાલય જે હદમાં આવે છે તે કારંજ પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક