• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

12 લાખ બાળકોને મળશે ‘જાદુઈ પીટારા’ ગોખણપટ્ટીમાંથી થશે કાયમનો છુટકારો


આ પહેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય : બાલવાટિકાથી ધોરણ 2 સુધીના બાળકો માટે ‘ટોય બેઝ પેડાગોજી’ થી શિક્ષણ આપવાની નવતર પહેલ

 

અમદાવાદ, તા.17 : ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે એક આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે બાળકોએ માત્ર પુસ્તકિયા જ્ઞાન કે ગોખણપટ્ટી પર નિર્ભર રહેવું નહીં પડે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી બાળકોને હવે ‘જાદુઈ પીટારા’ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આ નવતર પહેલને કારણે રાજ્યના 12.35 કફસવથી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના બાળકો માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 74,000થી વધુ ‘જાદુઈ પીટારા’ વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવી રીતે ટોય બેઝ પેડાગોજી એટલે કે રમકડાં આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.

આ પદ્ધતિમાં રમત, સંગીત, નવાચાર અને પ્રોજેક્ટ વર્ક દ્વારા શિક્ષણ આપવામાં આવશે, જેથી બાળકોને ભણેલું લાંબા સમય સુધી યાદ રહે. શિક્ષકો માટે પણ આ પીટારામાં એક ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેથી તેઓ વર્ગખંડમાં બાળકો સાથે અસરકારક રીતે સંવાદ સાધી શકે અને શિક્ષણને રસપ્રદ બનાવી શકે.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી શિક્ષણનો પાયો મજબૂત કર્યો હતો. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ‘જાદુઈ પીટારા’ પ્રોજેક્ટ રાજ્યના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ઇ-પેપરના નવા શુલ્ક