અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
ગ્રીનલેન્ડને પોતાના નિયંત્રણમાં લેવાના ઈરાદા સામે ડેનમાર્કમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન
થયા હતા. હજારો લોકોએ સડક ઉપર ઉતરીને સંદેશ આપ્યો હતો કે ગ્રીનલેન્ડની લોકતાંત્રિક
વ્યવસ્થા, તેના લોકોના અધિકાર અને આત્મનિર્ણય સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહી. ગ્રીનલેન્ડ
સંબંધિત સંગઠનોએ કોપેનહેગન, આરહૂસ, ઓલબોર્ગ, ઓડેંસ અને ગ્રીનલેન્ડની રાજધાની નૂકમાં
માર્ચ અને રેલીઓ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર
અગાઉથી જ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. ડેનમાર્કમાં
રહેનારા ગ્રીનલેન્ડના લોકોના સંગઠન ઉઆગુતે કહ્યું હતું કે પ્રદર્શનનો હેતુ એકજૂથ થઈને
બતાવવાનો છે કે ગ્રીનલેન્ડના લોકતંત્ર અને માનવ અધિકારોનું સન્માન થવું જોઈએ.
ગ્રીનલેન્ડ : ટ્રમ્પની દુનિયાને
ધમકી
વોશિંગ્ટન, તા. 17 : અમેરિકી
રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે દુનિયાભરના દેશોને ખુલ્લી ધમકી આપી
દીધી હતી. ગ્રીનલેન્ડ પર કબજાની યોજનામાં સાથ નહીં આપે તે દેશો પર ટેરિફ લગાવવાની ચેતવણી
ટ્રમ્પે આપી હતી. બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે, અમે
કોઇ પણ સંજોગોમાં ગ્રીનલેન્ડની સાથે છીએ. ગ્રીનલેન્ડના માલિકી હક્કનો ફેંસલો ટ્રમ્પનો
નથી. નાટો દેશ હોવાના નાતે ગ્રીનલેન્ડ તરફ અમારી જવાબદારી છે, તેવું કાર્નીએ જણાવ્યું
હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં
એક બેઠક દરમ્યાન દુનિયાભરના દેશોને ટેરિફની
ચેતવણી ફરી આપી હતી.
ટ્રમ્પે ગ્રીનલેન્ડને ‘ગોલ્ડન
ડોમ’ નામે એક મોટી સંરક્ષણ યોજના માટે મહત્ત્વપૂર્ણ લેખાવ્યું હતું.
ગોલ્ડન ડોમ અમેરિકાની મિસાઇલ
સુરક્ષા પ્રણાલીની યોજના છે, જે ઇઝરાયલના આયરન ડોમથી પ્રેરિત છે. ટ્રમ્પે જણાવ્યું
હતું કે, અમેરિકા ગ્રીનલેન્ડ મુદ્દે નાટો સાથે પણ વાતચીત કરી રહ્યું છે અને નાટોએ આ
મુદ્દે અમારો સાથ આપવો જોઇએ.