શ્રેણી જીતવા ઉપર બન્ને ટીમની નજર : ભારતની પ્લેઈંગ ઈલેવનમાં અમુક બદલાવની સંભાવના
ઈન્દોર, તા. 17 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડેની શ્રેણી રમાઈ રહી છે. જેનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આવતીકાલે રવિવારે રમાવાનો છે. પહેલો મેચ ભારતે જીત્યો હતો જ્યારે બીજા મેચમાં દમદાર પ્રદર્શન મારફતે વાપસી કરતા ન્યુઝીલેન્ડે મેચ નામે કર્યો હતો. હવે ત્રીજો વનડે મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાવાનો છે. જેના માટે બન્ને ટીમ દ્વારા પુરજોશથી તૈયારી કરવામાં આવી હતી. ભારતના બેટ્સમેનોનું પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નથી અને અંતિમ મેચમાં બેટ્સમેનો સુધારો કરવા ઈચ્છશે.
પહેલો મેચ વડોદરામાં રમાયો હતો અને ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી. બીજા વનડેમા ડેરિલ મિશેલની સદીથી ન્યુઝીલેન્ડે સફળતાપૂર્વક લક્ષ્યનો પીછો કરી લેતા શ્રેણી નિર્ણાયક મેચ સુધી પહોંચી હતી. ઈન્દોરનું હોલકર સ્ટેડિયમ બેટ્સમેનો માટે મદદરૂપ હોય છે. નાની બાઉન્ડ્રીના કારણે ખુબ રન બને છે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. અંતિમ વનડેમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન ઉપર પણ નજર રહેશે. જેમાં બદલાવની સંભાવના છે. રાજકોટના મેચમાં નીતીશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બેટિંગ અને બોલિંગમાં કોઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. તેવામાં ત્રીજા મેચમાં બહાર કરવામાં આવી શકે છે. નીતિશની જગ્યાએ દિલ્હીના યુવા બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર આયુષ બદોનીની એન્ટ્રી સંભવ છે.
આ ઉપરાંત ફાસ્ટ બોલર અર્શદીપને પણ તક મળવાની શક્યતા છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર હોવા છતાં પણ તેને શરૂઆતી બે વનડેમાં રમાડવામાં આવ્યો નથી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ વિકેટ લીધી છે પણ ન્યુઝીલેન્ડના રન રોકી શક્યો નથી. તેવામાં ટીમ પ્રબંધન નિર્ણાયક મેચમાં પ્રસિદ્ધને બેસાડી શકે છે. આ ઉપરાંત બેટિંગ યુનિટમાં ફેરફારની કોઈ સંભાવના લાગી રહી નથી.
ન્યુઝીલેન્ડની ટીમના પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. સ્પિનર જેડન લેનોક્સે પોતાના ડેબ્યુ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. ડેરિલ મિચેલ અને વિલ યંગ ફોર્મમાં ચાલી રહ્યા છે. તેવામાં બન્નેની વિકેટ ભારતીય ટીમ માટે મહત્ત્વની બની રહેશે.