• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

વંદે ભારત મેઇક ઇન ઇન્ડિયાની વૈશ્વિક ઓળખ


બંગાળમાં વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી

 

કોલકાતા, તા. 17 : પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. મોદીએ  વંદે ભારત, અમૃત ભારત સહિત સાત નવી ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. વડાપ્રધાને પહેલી વંદે ભારત સ્લીપરના ડ્રાઇવરને મળીને વિગતો જાણી હતી, તો ટ્રેનમાં બેઠેલાં બાળકો સાથે પણ વાતો કરી હતી. આ નવી સેમિહાઇસ્પીડ ટ્રેન લાંબાં અંતરની યાત્રાને તેજ, સુરક્ષિત અને વધુ સુવિધાઓ સાથે આરામદાયક બનાવશે.

આ અવસરે બંગાળને હજારો કરોડની વિવિધ વિકાસ યોજનાઓની ભેટ આપનાર વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન મેઇક ઇન ઇન્ડિયાની પહેલનું પ્રતીક છે.

લોકો કહેતા હતા કે, કાશ, વિદેશો જેવી જ ટ્રેનો ભારતમાં દોડતી હોત. આજે એ સ્વપ્ન સાકાર થયું છે. વંદે ભારત ભારતીયોના પરસેવામાંથી

બની છે.

હાવડાથી ગૌહાતી વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન મા કાલીની ધરતીને મા કામખ્યાની ધરતી સાથે જોડી રહી છે.

બંગાળમાં 3,250 કરોડ  રૂપિયાથી વધુ કિંમતની રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજે ભારત-અમેરિકા અને યુરોપથી વધારે લોકોમોટિવ બનાવે છે.

વડાપ્રધાને માલદામાં જનસભા સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતના રેલ એન્જિન, ડબ્બા, મેટ્રો કોચ ભારતની ટેક્નોલોજીની વિશ્વમાં ઓળખ બની રહ્યા છે.

આજે આપણો ભારત દેશ દુનિયાના અનેક દેશોને પેસેન્જર ટ્રેન અને મેટ્રો ટ્રેનના કોચની નિકાસ કરે છે. આ ગતિવિધિઓનાં કારણે અર્થવ્યવસ્થાને મોટો લાભ થવાની સાથોસાથ દેશના યુવાનોને રોજગાર પણ મળી રહ્યો છે, તેવું મોદી બોલ્યા હતા.

ચાર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે, વંદે ભારત સહિત આ નવી ટ્રેનોની સુવિધાથી યાત્રાની સાથોસાથ વેપાર-કારોબાર પણ વધારે સરળ બનશે.

આજે ભારતીય રેલવે આધુનિક બનવાની સાથોસાથ આત્મનિર્ભર પણ બની છે, ત્યારે બંગાળ, આસામ તેમજ સમગ્ર દેશની જનતાને આધુનિક સ્લીપર ટ્રેનની વધામણી આપું છું, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક