• સોમવાર, 04 મે, 2026

દેખાતા ગુના, ન દેખાતા ગુનેગારો

છેલ્લા એક દાયકામાં ઓનલાઈન આર્થિક વ્યવહાર વધ્યા છે. 2016ની નોટબંધી અને 2020-21ના કોરોનાએ લોકોને ‘ક્યુઆર કોડ’, ‘સ્કેનર’ કે ‘યુપીઆઈ’ ચૂકવણાની સારી ટેવ પાડી દીધી. રોકડ વ્યવહાર ઓછા થવાથી બિનહિસાબી નાણાનું પ્રમાણ ઘટયું હોવાનો સંતોષ ચોક્કસ લઈ શકાય, મધ્યમવર્ગ તો એ કરી જ રહ્યો છે. સાથે, જેમ વિજ્ઞાનની અન્ય બાબતોના બે પાસાં કે બાજુ છે તેમ આ ટેક્નોલોજીના ગેરફાયદા પણ છે. અડધા દાયકામાં સાયબર ફ્રોડ, સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ વધ્યું છે. કરોડોના આર્થિક ગોટાળા થઈ રહ્યા છે. જેમ રોકડા રૂપિયાનો વહીવટ મોટા વેપારીઓ અને રાજકારણીઓ તો કરે જ છે તકલીફ નાના લોકોને છે તેમ અહીં આવી છેતરાપિંડીનો ભોગ પણ આખરે તો નાના -મધ્યમ વર્ગના માણસો બને છે.

રાજ્યનું પોલીસ ખાતું લોકજાગૃતિ માટે સઘન પ્રયાસ કરતું હોવા છતાં સાયબર છેતરાપિંડીના કિસ્સા સતત બને છે. દેશનો કોઈ હિસ્સો આમ તો આ દૂષણથી પર નથી. વિવિધ પ્રકારે લાખો રૂપિયાની છેતરાપિંડી થાય છે. 2025ના સપ્ટેમ્બર સુધીમાં, 9 માસમાં ગુજરાતના નાગરિકોના 1011 રૂપિયા સાયબર અપરાધીઓએ પડાવી લીધા હતા. ભાવનગરમાંથી રૂ. 719 કરોડથી વધારે જંગી રકમનો સાયબર ફ્રોડ ગયા વર્ષના અંતે બહાર આવ્યો હતો. 10 માણસોની ગેંગની ધરપકડ થઈ હતી જેમાં બેન્ક કર્મચારીની પણ સંડોવણી ખૂલી હતી. એપ્રિલ 2026માં સીઆઈડી ક્રાઈમે રૂ. 77 કરોડનું મ્યુલ એકાઉન્ટ કૌભાંડ પકડયું હતું. તેનું પગેરું દુબઈ સુધી હતું. આર.ટી.ઓ.નું ચલણ આવે, જો કોઈ ક્લિક કરે તો આખું બેન્ક ખાતું હેક થઈ જાય. આવા કિસ્સા બને છે. દસ દિવસ પહેલાં મ્યુલ એકાઉન્ટમાં 2500 કરોડનું કૌભાંડ માર્કાટિંગ યાર્ડની પેઢીના નામનો ઉપયોગ કરીને આચરાયું જેના મૂળિયાં સૌરાષ્ટ્રના પડધરી સુધી હતા.

ગુજરાતમાં આવા કિસ્સા હવે રાજિંદા બન્યા છે. તાજેતરમાં કાનપુરમાં સાઈબર ક્રાઈમનું પ્રકરણ ખૂલ્યું તેમાં બેન્કના મેનેજરની પણ સંડોવણી હતી. બેન્કના કર્મચારીઓની સંડોવણી હોય તેવા કિસ્સા પણ વધ્યા છે. મ્યુલ એકાઉન્ટ એટલે કે ખાતાં ભાડે આપવાની પ્રક્રિયા આમ પણ તેમના સહયોગ વગર શક્ય નથી.

થોડા સમય પૂર્વે તેલંગણા પોલીસે પણ એક વિશેષ અભિયાન ચલાવીને સાયબર ઠગો સાથેની સાંઠગાંઠમાં બે બેન્કના મેનેજરની ધરપકડ કરી હતી. ડિજિટલ એરેસ્ટ આ ગુનાની એક જાણીતી પદ્ધતિ છે. સર્વોચ્ચ અદાલતે જ્યારે આ મુદ્દે સુનાવણી કરી ત્યારે બેન્કોની શંકાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેના સખત નિર્દેશ પછી સાયબર ક્રાઈમ કરનારાઓ ઉપર કાનૂની સકંજો કસાયો હતો.

બેન્કોએ છેતરાપિંડી રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ શરૂ કર્યો છે, જેથી એકમાંથી બીજા ખાતાંમાં પૈસા જો જાય તો તેની તરત ખબર પડી જાય પરંતુ સાયબર ક્રાઈમ કરનારા તો અનેક રસ્તા શોધી લે છે. તેમનું નેટવર્ક એટલું મોટું છે કે તેને રોકવાનું કામ અત્યંત પડકારજનક છે. રાજ્યનું પોલીસતંત્ર અનેક ઝુંબેશ ચલાવે છે, લોકોને જાગૃત કરે છે. પોલીસે આ દૂષણ રોકવું જ જોઈએ તેની તે જવાબદારી છે. જો કે હવે મોટા ભાગના રાજ્યમાં સાયબર ક્રાઈમ રોકવા અલાયદી લેબોરેટરીથી લઈને અદ્યતન સાધન, મોંઘા સોફ્ટવેર છે. તંત્રે શક્ય તેટલું સજ્જ રહેવું જોઈએ.

બીજી તરફ આ સંદર્ભે જે જે સૂચના જાહેર થાય છે તેનો જનતાએ પણ અમલ કરવો જરૂરી છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વ્હોટ્સએપ ઉપર ફિલોસોફીના લાંબા મેસેજ કરવા અને ઈન્સ્ટાગ્રામમાં રીલ જોવા માટે જ ન થાય, ક્યાં ક્લિક કરવું તેની તો મોટા ભાગના લોકોને ખબર નથી હોતી, ક્યાં ક્લિક ન કરવું તે ખબર રહે તોય ઘણી છેતરાપિંડીથી આપણે બચી શકીએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક