• શુક્રવાર, 01 મે, 2026

વિપક્ષ મુક્ત ગુજરાત

રાજકીય ગતિવિધિઓનો ધમધમાટ અડધા રાષ્ટ્રમાં છે. ગુજરાત પણ તેમાંથી મુક્ત નથી. તાજા સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં મૂકે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ જ નથી કે તે પોતાના સદસ્ય સૂચવી શકે, તેના જીતવાની કોઈ શક્યતા જ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો 731 બેઠકો બિનહરીફ થઈ પરંતુ હવે ગુજરાતમાં તો આ વખતે રાજ્યસભાની બેઠકો પણ બિનહરીફ. ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે રાજ્યસભામાં કોંગ્રેસના કોઈ સદસ્ય નહીં હોય. આને ભાજપની સિદ્ધિ ગણવી કે કોંગ્રેસની નિષ્ફળતા તે તો વિકટ પ્રશ્ન છે.

2014 પછી પક્ષાંતરની ઘટનાઓ જ્યારે જ્યારે બની ત્યારે વિપક્ષ મુક્ત ભારતનો નારો ગૂંજ્યો. ચૂંટણીઓમાં પણ એવું થયું કે ઉત્તરોત્તર વિપક્ષનું વર્ચસ અને સંખ્યા ઘટતાં ગયા. લોકશાહીમાં વિપક્ષ મુક્ત ગૃહ આવકાર્ય નથી પરંતુ લોકશાહી પરંપરાને જ અનુસરવામાં આપણે માનતા હોઈએ તો તે સ્વીકાર્ય ગણવું પડે. ભેદ એટલો હોવો જોઈએ કે ગૃહ વિપક્ષ મુક્ત હોય કે વિપક્ષ યુક્ત હોય, તે ચૂંટણી પછી થવું જોઈએ. દેશની રાજનીતિમાં જે ‘િબનહરીફ સંસ્કૃતિ’ વ્યાપી રહી છે તે જોખમી છે. એક તરફ આપણે સંવિધાનની વાત કરીએ, ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધિ માટે એસઆઈઆર જેવી પ્રક્રિયા હાથ ધરીએ! બીજી તરફ જ્યાં ચૂંટણી હોય ત્યાં ઉમેદવારો ફોર્મ પરત ખેંચે.

 ગુજરાતમાં ભાજપનો દબદબો છે. ભાજપના પ્રયાસ ફળશે તો આ વખતે પશ્ચિમ બંગાળમાં પણ સ્થિતિ અલગ હશે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતે, જનાદેશ તેની તરફેણમાં હોય ત્યાં તેની ટીકા કરવાનો પ્રશ્ન નથી. વિપક્ષ તેને ઈવીએમની કમાલ કહે, ચ્ટૂંણી પંચનો સહયોગ કહે કે એસઆઈઆરનું પરિણામ કહે તે તેની દૃષ્ટિ અને અધિકાર છે. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા થયા પછી તો તેના ચુકાદાને માન્ય રાખવો પડે પરંતુ ચૂંટણી જ ન થાય તે સ્થિતિ યોગ્ય નથી. ગુજરાતમાં બે દિવસ પૂર્વે જે પરિણામ આવ્યાં તેમાં 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસી શકે તેમ નથી. આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો સવાલ આવ્યો છે. લોકોએ મત એકતરફી આપ્યા તેમ માનવું રહ્યું. પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી તો મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ ચૂંટણી હતી ત્યાં પણ જંગી સરસાઈ મળી છે.

વિપક્ષ રહે જ નહીં તે રીતે મતદાન થયું તેમ કહી શકાય તો સામે લોકો પોતાને મત આપે તેવા પ્રયાસ વિપક્ષ તરફથી ન થયા તે પણ મુદ્દો છે. આ વખતે ગુજરાતમાં મુદ્દા ઓછા નહોતા. કોંગ્રેસ આ મુદ્દા લઈને લોકો વચ્ચે ન ગઈ, લોકોને લઈને બૂથ સુધી પહોંચી શકી નહીં. ચૂંટણી દરમિયાન વિરોધ, વાંધા, ઉમેદવારોના પ્રવેશ પ્રતિબંધ જેવી બાબતો હતી. પ્રજામાં ખરેખર આટલો રોષ હોય તો પરિણામ જે આવ્યાં તે આવવા જોઈએ નહીં. કોઈ પણ પક્ષે લોકશાહીની મર્યાદા ઓળંગીને કોઈ કામ કરવું ન જોઈએ તે સાચી વાત છે. પરંતુ વિપક્ષે પણ પોતાની શાખ જાળવવી જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિચારવાનું તો એ છે કે ગુજરાતનું શાસન તો દૂર આપણે વિપક્ષમાં પણ બેસી શકીએ તેટલી શ્રદ્ધા આપણામાં નથી રહી?  વિપક્ષ મુક્ત રાજનીતિ સ્વયં વિપક્ષની પણ જવાબદારી છે.  શાસકની જવાબદારી છે કે તે નીતિમત્તાથી કામ કરે, વિપક્ષનું ઉત્તરદાયિત્વ છે કે પ્રજાની સાથે રહે. 

ઇ-પેપરના નવા શુલ્ક