• સોમવાર, 04 મે, 2026

બંગાળ : શું સંકેત આપી રહી છે ઘટનાઓ ?

ચૂટણી પ્રચાર દરમિયાન કોઈ પ્રાંત-વિસ્તારમાં ધમાલ થાય, ચૂંટણી દરમિયાન અનિચ્છનીય હિંસા થાય તેવું બનતું આવ્યું છે. બંગાળ એવું રાજ્ય છે જ્યાં આ વખતે મતદાન પૂર્ણ થયા પછી અને પરિણામ પૂર્વે પણ સ્થિતિ તનાવગ્રસ્ત છે. રાજકીય મોરચે ચૂંટણી વગર પણ બંગાળ સતત ચર્ચામાં હોય તે અલગ બાબત છે, આ વખતે જે ઘટનાઓઁ ચૂંટણી સંદર્ભે બની અને હજી પણ બની રહી છે તેના અનેક સૂચિતાર્થ અને સંકેત છે. પરિણામ તો 4 મેના રોજ આવશે. તે પૂર્વે જે થઈ રહ્યું છે તેમાંથી પરિસ્થિતિના ભણકારા સંભળાઈ રહ્યા છે.

23 અને 29 એપ્રિલે યોજાયેલા મતદાનમાં 92 અને 90 ટકા જેટલા જંગી મતદાને જ અનેક અટકળ-અનુમાન સર્જી દીધા છે. તૃણમૂલ કોંગ્રેસ પુન: સત્તા ઉપર આવે તેવી શક્યતા નથી તેવું ઘણા એક્ઝિટ પોલ કહે છે. બંગાળમાં ડાબેરીઓ ત્રણ દાયકા સુધી સત્તા ઉપર રહ્યા અને તે પછી ટીએમસી છે. સત્તા ત્યાં ભાજપનું વર્ષો જૂનું સ્વપ્ન છે. રાજકીય નિષ્ણાતોનો એક મોટો વર્ગ આ મુદ્દે અનેક ચર્ચા કરી રહ્યો છે. જે લોકો ભાજપ કે સંઘની વિચારધારા સાથે સંમત નથી તેઓ જુદી રીતે વિચારી રહ્યા છે. તેમના મતે દેશમાં ક્યાંક તો ભિન્નમતનું મહત્વ હોવું જોઈએ. સમર્થકો અલગ દૃષ્ટિથી વાત  કરે છે. એસઆઈઆર આ વખતે મોટો મુદ્દો છે, લાખો મતદારોના નામ કપાયા છે તેની અસર પરિણામ ઉપર થશે તે કારણ અપાઈ રહ્યું છે.

આટલું જંગી મતદાન બન્ને તબક્કામાં થયું. એક્ઝિટ પોલ પણ ભાજપ તરફી છે. ગુજરાત સહિતના રાજ્યોમાંથી બંગાળ તરફ વિશેષ ટ્રેન જઈ રહી છે. આ વખતે ભાજપનો આત્મવિશ્વાસ અગાઉની સરખામણીમાં વધારે છે. મતદાનની ટકાવારી પછી તો તે વધી ગયો છે. ભાજપને પરિણામના સંકેત મળી રહ્યા છે. તૃણમૂલ સમર્થકો અને કેટલાક નિરીક્ષકો ભલે કહે કે હજી મમતા બેનર્જીની આણ છે, ભાજપ કંઈક અલગ જોઈ રહ્યો છે. બીજી તરફ ટીએમસી- મમતા કહે છે કંઈક અને વર્તે છે થોડું અલગ. બંગાળમાં અત્યારે કલમ 163 અંતર્ગત પાંચથી વધારે વ્યક્તિઓના એકઠા થવા ઉપર પ્રતિબંધ છે. 30મી એપ્રિલે રાત્રે મુખ્યમંત્રી પોતે સ્ટ્રોંગરૂમ પર ગયા, તેમણે ઈવીએમમાં ગોલમાલના આક્ષેપ કર્યા.

ચૂંટણીપંચે 15 બૂથ ઉપર ફેરમતદાનનો આદેશ આપ્યો છે, શનિવારે ત્યાં મતદાન થશે. મમતાબહેનની વ્યાકુળતા, વિહ્વળતા આ વખતે વધારે છે. આ પણ ચૂંટણી પરિણામનો એક સંકેત છે. હવે મતગણતરી આડે બે દિવસ બાકી છે. ખરું ચિત્ર તો સોમવારે ખબર પડશે પરંતુ બન્ને તરફ જે સળવળાટ થઈ રહ્યો છે તે ઘણો સાંકેતિક છે. મમતા બેનર્જીનું વર્તન ઘણી અટકળ શમાવીને ઘણી અટકળ જગાડી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં અનેરું સ્થાન ધરાવતા બંગાળની પ્રજાએ આ ચૂંટણીને ઐતિહાસિક બનાવી છે કે નહીં તેની હવે રાહ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક