• મંગળવાર, 26 મે, 2026

ભારતને આંખ દેખાડવા લાગ્યું ચીન

દલાઈ લામા અમારો આંતરિક મુદ્દો,ભારત દખલ ન કરે

નવા દલાઈ લામાની પસંદગીથી ગભરાયેલા ચીને હદ વટાવી

નવી દિલ્હી, તા.2પ: તિબેટનાં આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનાં મુદ્દે ચીને ફરી એકવાર તમામ હદ પાર કરીને ભારતને આંખ દેખાડી છે. લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશનાં સરહદી વિસ્તારો ઉપર ખોટો દાવો કરતાં ચીને ભારતને દલાઈ લામા મુદ્દે દૂર રહેવા ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે, આ અમારો આંતરિક મામલો છે અને તેમાં વચ્ચે પડવું નહીં.

દલાઈ લામાનાં ઉત્તરાધિકારીની પસંદગીથી ચીન ગભરાયેલું છે. દિલ્હી સ્થિત ચીનનાં દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, આ ચીનની આંતરિક બાબત છે અને ભારતે તેનાથી દૂર રહેવું જોઈએ. ચીની પ્રવક્તા યૂ જિંગે પોતાનાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, દલાઈ લામાનાં ઉત્તરાધિકારીની બાબત સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબત છે. ભારતે તેમાં દખલઅંદાજી કરવી ન જોઈએ.

ચીની દૂતાવાસે ભારત પાસે એવી માગણી પણ કરી છે કે, ભારતની ધરતીનો ઉપયોગ તિબેટની આઝાદીની માગ કરતાં સંગઠનો અને તેનાં નેતાઓને મંચ આપવા માટે ન કરવો જોઈએ. ચીને સાથોસાથ એવું પણ ઉમેર્યુ હતું કે, દલાઈ લામાનાં ઉત્તરાધિકારની પસંદગી હંમેશાં ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક પ્રથાઓ અનુસાર થાય છે અને તેમાં ચીનની મંજૂરી જરૂરી છે. 14મા દલાઈ લામાને પણ આ પ્રક્રિયા હેઠળ જ માન્યતા આપવામાં આવી હતી. દલાઈ લામાનાં પુનર્જન્મનો મુદ્દો ચીનની બાબત હોવાથી તેમાં કોઈ બહારી હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનને પણ સંપ્રભુ દેશ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી અને તેને આ પ્રક્રિયા ઉપર દાવો કરવાનો કોઈ અધિકાર પણ નથી. ભારત આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે તેવી ચીનને આશા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક