• મંગળવાર, 26 મે, 2026

ગુલમર્ગમાં રોપવે ખોટકાતા 300 પર્યટકનાં જીવ અદ્ધર

સેના, NDRF, પોલીસ સહિતની સંયુક્ત ટીમે યુદ્ધના ધોરણે તમામને બચાવ્યા

ટેક્નીકલ ખરાબીના કારણે દુનિયાના ત્રીજા સૌથી ઊંચા રોપવેમાં બન્યો બનાવ

શ્રીનગર, તા. 25 : જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સોમવારે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં દુનિયાના ત્રીજા સૌથી ઊંચા રોપવે, ગુલમર્ગ ગોંડોલામાં ટેકનીકલ ખરાબી આવી જતાં 300 જેટલા પર્યટકો હવામાં ફસાયેલી કેબલ કારોમાં જ અટકી ગયા હતા. આ બનાવથી પર્યટકોની સાથે સ્થળ ઉપર રહેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. બાદમાં પ્રશાસને મોટાપાયે રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની સંયુક્ત ટીમે તાકીદે મોરચો સંભાળીને તમામ પર્યટકોને સુરક્ષિત રીતે કેબલ કારમાંથી નીચે લાવ્યા હતા.

સેના તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ટેક્નીકલ ખરાબીના કારણે કુલ 65 કેબિન અધવચ્ચે ફસાઈ હતી. સૂચના મળતા જ ચિનાર કોર તરફથી ઝડપથી રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકોને રેસ્કયૂ કરવાની સાથે કેબલ કાર સિસ્ટમને બહાલ કરવા કવાયત કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે સરકારની પુરા ઘટનાક્રમ ઉપર નજર છે, તમામ કેબિન સુરક્ષિત છે અને પ્રશિક્ષિત ટીમો પર્યટકોને  સુરક્ષિત બહાર લાવવા કવાયત કરી રહી છે. સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.  જ્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ આ મામલે  નિવેદન આપતા કહ્યું હતું કે પોલીસ, સેના, એસડીઆરએફ અને જીલ્લા પ્રશાસન સહિતની ટીમો દ્વારા સંયુક્ત રીતે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન ઘટનાના ઘણા વીડિયો અને તસવીરો સામે આવી હતી. જેમાં રેસ્કયૂ ટીમ  રસ્સી, સીડી સહિતના સાધનોથી પર્યટકોને બહાર લાવવા કવાયત કરી રહ્યા હતા. ગુલમર્ગ ગોંડોલા કુલ બે ફેઝમાં છે. પહેલો ફેઝ ગુલમર્ગને કોંગડોરીથી જોડે છે. જ્યારે બીજો ફેઝ કોંગડોરીથી અફરવાત સ્ટેશન સુધી જાય છે. બન્ને રૂટમાં કુલ 108 કેબિન કાર છે. શ્રીનગરથી ગુલમર્ગ ગોંડોલાનું અંતર 51 કિમી આસપાસ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 25 જૂન 2017ના પણ ગુલમર્ગ ગોંડોલામાં એક દુર્ઘટના બની હતી. જેમાં ભારે પવન ફૂંકાતા એક કેબિન કાર ઉપર વૃક્ષ પડયું હતું. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ટેકનીકલ કારણોથી આ સેવાને અસ્થાયી રૂપથી બંધ કરવી પડી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક