• મંગળવાર, 26 મે, 2026

ધોરાજીમાં હિમાલય બારૈયા હત્યા કેસમાં ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

કોળી સમાજની શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા

ધોરાજી, તા.25 : ધોરાજી ખાતે કોળી યુવાન હિમાલય બારૈયાની હત્યા બાદ કોળી સમાજ દ્વારા વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગમગીની વચ્ચે યોજાયેલી સભામાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મૃતકને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હત્યામાં ચાર શખસો સંડોવાયેલા હોવા છતાં પોલીસે માત્ર બે આરોપીઓ સામે જ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બાકીના ભાજપના બે આગેવાન પુત્ર અને હોદ્દેદાર એવા બે આરોપીઓને રાજકીય દબાણ હેઠળ છોડી મૂકીને બચાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાત કોળી સમાજના યુવા આગેવાન ચિરાગભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, જો તમામ આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી નહીં થાય તો ધોરાજીમાં દોઢથી બે લાખ લોકોનું મહાસંમેલન યોજાશે. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દે જવાબ આપવાની ચેતવણી આપી હતી. મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજમાં ચાર આરોપીઓ દેખાતા હોવા છતાં એફઆઈઆરમાં માત્ર બે નામ જ દાખલ કરાયા છે. શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક