નવી દિલ્હી, તા. 25 : ભારતીયોનો વિદેશ યાત્રા ઉપરનો ખર્ચ માર્ચ મહિનામાં ઘટીને 1.09 અબજ ડોલર થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 1.30 અબજ ડોલર હતો. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના આંકડામાં આ જાણકારી સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં ભારતીયોએ વિદેશ યાત્રા ઉપર કરેલો ખર્ચ 1.65 અબજ ડોલર રહ્યો હતો.
રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતીયો
દ્વારા વિભિન્ન શ્રેણીઓમાં વિદેશમાં મોકલવામાં આવેલા કુલ નાણા 2.59 અબજ ડોલર હતા. જેમાંથી
સૌથી મોટો હિસ્સો યાત્રા ખર્ચનો હતો. એલઆરએસ હેઠળ નિવાસી વ્યક્તિ એક વર્ષમાં 2.50 લાખ
ડોલર સુધીનો વ્યવહાર કરી શકે છે. જેના આધારે વિદેશ યાત્રાની માહિતી જાહેર કરવામાં આવી
છે. જાણકારો અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડની વધતી કિંમતો અને રૂપિયાની
કિંમતમાં કડાકાના કારણે લોકો વિદેશ યાત્રા ઉપર ખર્ચ ઘટાડવા મજબૂર થયા છે. પીએમ મોદીએ
પણ થોડા દિવસ અગાઉ લોકોને વિદેશી મુદ્રા બચાવવા માટે વિદેશ યાત્રા ઓછી કરવા સહિતના
ઉપાય અપનાવવા અપીલ કરી હતી.