અમરેલી તા.24 :અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં સાવરકુંડલા પંથકના ત્રણ અને વડિયા પંથકના એક યુવક સહિત કુલ ચાર લોકોના મૃત્યુ નિપજયાનું પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તમામ બનાવો અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામે રહેતા 27 વર્ષીય યુવક કમલેશ વિનુભાઇ સોલંકીના પત્ની છેલ્લા નવેક મહીનાથી રીસામણે પિયર ગયા હતા. યુવક તેમને તેડવા જવા છતાં પત્ની પરત ન આવતા, યુવકને મનમાં લાગી આવ્યું હતું. આ કારણે ગત તા. 22 ના રોજ સાંજે આઠેક વાગ્યે મેઘા પીપળીયા ગામે તેણે ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
બીજા
બનાવમાં સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા 58 વર્ષીય આધેડ હીંમતભાઇ
માવજીભાઇ સુહાગીયાએ ગત તા. 23 ના રોજ મોડી રાત્રીથી સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઇ
અગમ્ય કારણોસર પોતાની વાડીમાં આવેલી કુંડી પાસે મીઠા લીમડાના ઝાડ સાથે દોરડુ બાંધી
ગળાફાસો ખાઇ લીધો હતો.
ત્રીજા
બનાવમાં સાવરકુંડલા ગામે ભુવારોડ ઉપર આવેલ માધવાણી વાડી પાસે રહેતા 35 વર્ષીય પ્રકાશ
જેન્તીભાઇ સોલંકીને શંકા હતી કે તેમની પત્નિ અન્ય કોઇ સાથે ફોનમાં વાત કરે છે. આ બાબતે
પુછતા પત્નીએ નકાર ભણ્યો હતો. જો કે, યુવકને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેનું
મૃત્યુ નીપજ્યું હતું.
ચોથા
બનાવમાં સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામે રહેતા મહેશ શાંતિભાઈ માજુસા નામના ઇસમ ગત
તા. 23ના રોજ અમરેલીના સુળીયા ટીંબા વિસ્તારમાં આવેલા વિપુલભાઇ જીલાભાઇ ગઢવીના ઘરે
પતરાનો શેડ બનાવવાનું કામ કરી રહ્યા હતા. તેઓ ઘોડા ઉપર ચડીને વેલ્ડીંગનું કામ કરતા
હતા, ત્યારે અચાનક ઘોડો એક તરફ નમી ગયો હતો. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા અને માથાના
પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.