• મંગળવાર, 26 મે, 2026

ફાઇનલ ટિકિટ બૂક કરવા RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર

ધર્મશાલામાં આજે કવોલીફાયર-1 મેચ : ચેમ્પિયન RCB પર ખિતાબ બચાવવાનું દબાણ

ધર્મશાલા તા.2પ: આઇપીએલ-2026 પ્લેઓફ રાઉન્ડની શરૂઆત મંગળવારથી શરૂ થશે. કવોલીફાયર-વનમાં બે ટોચની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સ ધર્મશાલામાં આમને-સામને હશે. ત્યારે આરસીબી પર ખિતાબ જાળવી રાખવાનું દબાણ રહેશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમ ફાઇનલની ટિકિટ બૂક કરી લેશે. જયારે પરાજિત ટીમને વધુ એક મોકો મળશે. એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે તે કવોલીફાયર-ટૂ મેચ રમશે. જે શુક્રવારે ન્યૂ ચંદિગઢ ખાતે રમાવાનો છે. એલિમિનેટર મેચમાં ત્રીજા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચોથા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે ન્યૂ ચંદિગઢ ખાતે ટકકર થશે. આઇપીએલની 19મી સીઝનનો ફાઇનલ મુકાબલો રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે.

કવોલીફાયર-1 મેચમાં એક અલગ દિલચશ્પ ટકકર પણ જોવા મળશે. એક તરફ હશે કિંગ વિરાટ કોહલી તો બીજી તરફ હશે પ્રિંસ શુભમન ગિલ. બન્ને શાનદાર ફોર્મમાં છે અને પોતાની ટીમ માટે સતત મેચ વિનિંગ ઇનિંગ રમી રહ્યા છે. જો કે આરસીબી તેના આખરી લીગ મેચમાં સનરાઇઝર્સ સામે હાર સહન કરીને અહીં પહોંચી છે. જયારે ટાઈટન્સે તેના આખરી લીગ મેચમાં સીએસકે સામે મહાજીત સાથે ધર્મશાલા પહોંચી છે. આથી ગિલની ટીમમાં જીતનો જુસ્સો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આરસીબી પર ખિતાબ જાળવી રાખવાનું દબાણ છે.

આ હાઇપ્રેશરવાળા મેચમાં જે ટીમ સંતુલિત બની મેદાન પર ઓલરાઉન્ડ દેખાવ કરશે તેનો હાથ ઉપર રહેશે. ખાસ કરીને પાવરપ્લે ગેમ પરિણામ નકકી કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. બન્ને ટીમના બોલર્સ શાનદાર ફોર્મમાં છે. ટાઈટન્સ તરફથી રબાડા 24, રાશિદ ખાન 19 અને સિરાજ 17 વિકેટ લઇ ચૂકયા છે. જયારે આરસીબી 24 વિકેટ સાથે ટોચ પર છે.

તો બન્ને ટીમના ટોપ ઓર્ડર બેટર્સ સતત રન કરી રહ્યા છે. ટાઈટન્સની ખામી તેનું મધ્યક્રમ છે. આથી જો આરસીબી શરૂઆતમાં ટાઈટન્સ કેપ્ટન ગિલ અને સાઇની જોડીને તોડવામાં સફળ રહેશે તો અરધી બાજી જીતી લેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક