• મંગળવાર, 26 મે, 2026

પેટ્રોલ-ડીઝલના દામનો વધુ એક ડામ

પેટ્રોલ 2.61 રૂપિયા, ડીઝલ 2.71 રૂપિયા મોંઘું થયું, 11 દિવસમાં સાત રૂપિયા વધ્યા; ખેતી, અનાજ, પરિવહન પણ મોંઘા

નવી દિલ્હી, તા. 25 : દુનિયામાં ઈંધણની કટોકટી વચ્ચે ભારતમાં મોંઘવારીનાં કડવા ઘૂંટડા ધીમી ધારે પીવડાવાઈ રહ્યાં હોય તેવો ઘાટ ઘડાયો છે. ચાલુ મહિનામાં આજે ચોથીવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો. સપ્તાહનાં પહેલા દિવસ એટલે કે સોમવારની સવારે સૂર્યનાં પહેલા કિરણ સાથે પેટ્રોલનાં ભાવમાં 2.61 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં 2.71 રૂપિયાનો ડામ આવી ગયો છે. છેલ્લા 11 જ દિવસમાં ચોથીવાર વસમો વધારો ઝીંકાતાં પેટ્રોલ અને ડીઝલ 7-7 રૂપિયા મોંઘા થઈ ગયા છે.

આજના ઈંધણના ભાવમાં ભડકા બાદ દેશના છેવાડાના પ્રદેશ કચ્છથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્ર 11 દિવસમાં સાડાસાત રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. આ ઉછાળાથી ઉચાટ વચ્ચે સામાન્ય જનતામાં એ વાતનો અજંપો છે કે, આ ભાવવધારા પર રોક ક્યારે લાગશે ! બન્ને ‘જીવનજરૂરી’ બની ચૂકેલા ઈંધણોના ભાવમાં વણથંભ્યા વધારાની અસર રૂપે અન્ય વસ્તુઓ, સેવાઓ પણ મોંઘી બનવા માંડી છે.

માલ પરિવહન મોંઘું થતાં બીજાં રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળ, રાશન મોંઘા થાય છે. ખેતીમાં ખર્ચ વધતાં અનાજ મોંઘા થાય છે.

રિક્ષા, બસ જેવાં જાહેર પરિવહનનાં  વાહનોની યાત્રા પણ મેંઘી થવા માંડી છે.

આ સ્થિતિએ દેશના નીતિનિર્માતાઓને બેહદ મુશ્કેલ વળાંક પર લાવી મૂક્યા છે. ઈંધણના વધતા ભાવથી પરિવહન મોંઘુ થતાં ભોજન, અન્ય ચીજો, સેવાઓ મેંઘી થવાથી સામાન્ય જનતા પર બોજ વધ્યો છે.

બીજી તરફ તેલ કંપનીઓ છે જે લાંબા સમય સુધી ઈંધણનાં છૂટક વેચાણ પર નુકસાન સહન કરી શકતી નથી.

દરમિયાન દેશમાં ઠેરઠેર પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારોનાં ચિંતા ઉપજાવતા દૃશ્યો વચ્ચે આજે ઈન્ડિયન ઓઈલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ કમી નથી પણ ગભરાટમાં થઈ રહેલી ખરીદીનાં કારણે માગ અને પુરવઠામાં અસંતુલન સર્જાઈ ગયું છે. તા.1 મેથી 22મી મે વચ્ચે પેટ્રોલનાં વેચાણમાં 14 ટકા અને ડીઝલનાં વેચાણમાં 18 ટકાનો કારણ વગરનો વધારો થઈ ગયો છે.

ધીમા ઝેરની માફક વધી રહેલા ઈંધણનાં ભાવ મુદ્દે આજે વિપક્ષે ફરી એકવાર સરકાર ઉપર હુમલા બોલાવી દીધા હતાં. જેમાં લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર તીખો પ્રહાર કરતાં સરકાર ઉપર ચૂંટણી પૂરી થતાં જ ભાવવધારાનો બોજ જનતા ઉપર નાખવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીને ‘મોંઘવારી માનવ મોદી’ કહીને કટાક્ષ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, જનતાનાં રોષને ઓછો રાખવા માટે ઈંધણનાં ભાવ હપ્તાવાર વધારવામાં આવી રહ્યાં છે. તો આમઆદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઈરાન અને રશિયાથી ભારત સસ્તુ ઓઈલ શા માટે નથી ખરીદતું? વડાપ્રધાન મોદીની એવી શું મજબૂરી છે?

આંધ્રપ્રદેશના નેલ્લોરમાં પેટ્રોલ 118.14 રૂપિયા અને ડીઝલ 105.73 રૂપિયા સાથે સૌથી મોંઘાં છે.

 રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા, ડીઝલના ભાવ 95.20 રૂપિયા થઈ ગયા છે. તેનાથી વધુ આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના 111, ડીઝલના 97.83 રૂપિયા થઈ ગયા છે.

કોલકાતામાં 113.51 પેટ્રોલના ભાવ અને ડીઝલની કિંમત 99.82 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલના 107.77, ડીઝલના 99.55 રૂપિયા થઈ ગયા છે.

અર્થતંત્રની મજબૂતી માટે સીતારમણની થ્રી-એફ ફોર્મ્યુલા

હવે ભારતમાં જે રીતે પેટ્રોલ, ડીઝલ અને ગેસનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા ચોતરફી મોંઘવારીનો અજગર ભરડો લેશે તે નિશ્ચિત બની ગયું છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈરાન સંકટ વચ્ચે ફ્યૂલ (ઈંધણ), ફર્ટિલાઈઝર (ખાતર) અને ફોરેક્સ (વિદેશી હુંડિયામણ)થી બનતા થ્રી-એફ ઉપર ધ્યાન આપવાની વાત ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ઘરેલું અર્થતંત્ર મજબૂત છે અને થ્રી એફની કાળજી રાખવામાં આવે તો મજબૂતી ટકી રહેશે. તેમણે વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવાની અપીલ પછી કેટલાક લોકોએ નિરાશાવાદી અને નકારાત્મક માહોલ બનાવવાની કોશિશ કર્યાની આલોચના કરતાં કહ્યું હતું કે, દેશમાં ભય ફેલાવવાની કોઈ ગુંજાશ નથી અને લોકોએ વિશ્વાસ ટકાવી રાખવો જરૂરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક