• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

‘કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી, દબાણ અને ગુંડાગીરી દ્વારા ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાય છે’

હોમગાર્ડ વિભાગના કેટલાક કમાન્ડરો ભાજપ સાથે સીધી રીતે સંકળાયેલા છે : મનીષ દોશી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 15: ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ ભરવા, ચકાસણી અને પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે અને ફેર એન્ડ ફ્રી ઇલેક્શન તરીકે યોજાવાની જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગની હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ સામે આવી રહી છે તે ગંભીર ચિંતાનો વિષય છે. તેમ કહેતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી, દબાણ અને ગુંડાગીરી દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

વધુમાં કહ્યું કે આ માટે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, અસામાજિક તત્ત્વો અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હોમગાર્ડ વિભાગના કેટલાક કમાન્ડરો ભાજપ અને આરએસએસ સાથે સીધી રીતે સંકળાયેલા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે, જે ચૂંટણી પ્રક્રિયામાં પ્રભાવ પાડી શકે તેવી ગંભીર બાબત છે. અમદાવાદ પૂર્વ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર રાહુલ પી કોરીનો મુદ્દો વિશેષ રીતે ઉઠાવવામાં આવ્યો છે. તેમને જિલ્લા કંટ્રોલ રૂમની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાંથી બેલેટ પ્રક્રિયા સંચાલિત થાય છે. આ સાથે જ તેઓ ભાજપના સરદારનગર વોર્ડ નં. 11ના ઉપપ્રમુખ તરીકે સક્રિય હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ બદલી કરવામાં આવે તેવી વિગતવાર રજૂઆત અને માગણી કરી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં લગભગ 9,985 જેટલી બેઠકો માટે યોજાતી ચૂંટણીમાં અનેક ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક