• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

પત્નીના આધાર કાર્ડે ખોલી પવન ખેડાની પોલ : આગોતરા જામીન રદ

તેલંગણ હાઈ કોર્ટના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવા આધાર કાર્ડ સાથે ચેડા ઉપર સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટો ઝટકો આપતા તેલંગણ હાઈ કોર્ટ દ્વારા અપાયેલા આગોતરા જામીન ઉપર રોક મૂકી દીધી હતી. આ પૂરો કેસ આસામ પોલીસ દ્વારા ખેડા સામે નોંધાયેલી માનહાનિ અને છેતરપિંડીની એફઆઈઆર સંબંધિત છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અધિકાર ક્ષેત્રનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ સાથે કરવામાં આવેલા કથિત ચેડાને ગંભીરતાથી લીધા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેકે માહેશ્વરી અને જસ્ટિસ એએસ ચંદુરકરની પીઠ સામે ખુલાસો થયો હતો કે પવન ખેડાએ તેલંગણ હાઈ કોર્ટમાંથી જામીન લેવા માટે ત્યાંના સ્થાનિક નિવાસી હોવાનો દાવો કર્યો હતો. જેના માટે જે આધાર કાર્ડ રજૂ કર્યું હતું તેનાથી જ પોલ ખુલી ગઈ હતી. ખેડાએ કહ્યું હતું કે તેમના પત્ની હૈદરાબાદમાં રહે છે. જેના ઉપર આસામ પોલીસ તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, ખેડાએ જે આધાર કાર્ડ રેકોર્ડ ઉપર રાખ્યું છે તેના અનુસાર પત્ની દિલ્હીમાં રહે છે. એસજીએ આ સ્થિતિને પોતાની પસંદની કોર્ટ લેવા માટેની કોશિશ અને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો હતો.

મેહતાએ કહ્યું હતું કે ખેડાએ જે આધાર કાર્ડ રેકોર્ડ ઉપર રાખ્યું છે તેમાં બતાવાયું છે કે પત્ની દિલ્હીમાં રહે છે પણ ક્યારેય યાત્રા કરે છે. કોઈ વ્યક્તિ 10 અલગ અલગ રાજ્યમાં સંપત્તિ ખરીદી શકે છે અને ભાડે લઈ શકે છે. તેનો અર્થ એવો નથી કે પોતાની સુવિધા અનુસાર કોઈપણ રાજ્યના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરે. બાદમાં સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે ખેડાએ કોર્ટના અધિકાર ક્ષેત્રનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે.અદાલતે કહ્યું હતું કે, ફર્જી અથવા છેડછાડ કરેલા દસ્તાવેજના આધારે તેલંગણ હાઈ કોર્ટ અધિકાર ક્ષેત્રનો અનુચિત લાભ ઉઠાવવામાં આવ્યો છે જ્યારે કથિત અપરાધ આસામના ગુવાહાટીમાં થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક