• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

યુદ્ધવિરામની અવધિ લંબાવવા માટે ઈરાન-અમેરિકા તૈયાર

એપ્રિલે સમાપ્ત થતાં યુદ્ધવિરામને વધુ બે અઠવાડિયા માટે આગળ વધારવામાં આવે તેવા મધ્યસ્થીઓનાં પ્રયત્નો : પાક. સેનાપ્રમુખ અમેરિકાનો સંદેશ લઈ પહોંચ્યા ઈરાન

નવી દિલ્હી, તા.1પ: ઓઈલ સંકટ સામે ઝઝૂમતી દુનિયા માટે એક રાહતની આશાનું વધુ એક કિરણ દેખાયું છે. અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામની અવધિને આગળ લંબાવવા માટે સહમત થવાની નજીક છે. આ ઉપરાંત શાંતિ સમજૂતી માટે પણ બન્ને પક્ષ ફરીથી વાટાઘાટ માટે મળે તેવી સંભાવના પણ છે. પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર મધ્યસ્થીઓ દ્વારા 22 એપ્રિલે સમાપ્ત 

થતાં યુદ્ધવિરામને વધુ બે અઠવાડિયા માટે આગળ વધારવામાં આવે તેવા પ્રયત્નો શરૂ થયા છે. જેનાં માટે બન્ને પક્ષે સૈદ્ધાંતિક સહમતી પણ આપી હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં જાણવા મળે છે. દરમિયાન પાક. સેના પ્રમુખ આસીમ મુનીર અમેરિકાનો સંદેશો લઈને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઈરાન પહોંચી ગયા હતાં.

મધ્યસ્થીઓ તરફથી અડચણ બનેલા ત્રણ મુખ્ય મુદ્દા ઉપર સમાધાનનાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ત્રણ મુદ્દામાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ અને યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા નુકસાનનાં વળતરનો સમાવેશ થાય છે.

દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સાથે વાટાઘાટની સંભાવનાને પુષ્ટિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આવનારા એક-બે દિવસમાં પશ્ચિમ એશિયામાં શાંતિ માટે બીજા તબક્કાની વાતચીત સંભવ છે. દરમિયાન અમેરિકી સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઈરાની બંદરોની નાકાબંધી પૂર્ણપણે અમલમાં છે. તો સામે છેડે ઈરાને પણ જવાબી કાર્યવાહીની ધમકી આપી હતી.

સંયુક્તરાષ્ટ્રનાં મહામંત્રી એન્ટોનિયો ગુતારસે પણ પાક.નાં વિદેશ મંત્રી ઈસહાક ડાર સાથે પોતાની બેઠકનો હવાલો આપીને કહેવામાં આવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ફરી થવાની સંભાવના પ્રબળ છે. પાક.નાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફ પણ સાઉદી અરબ જઈને પાક.નાં મધ્યસ્થતાનાં પ્રયાસોનાં ભાગરૂપે બેઠક યોજવાનાં છે. દરમિયાન પાક. સેના પ્રમુખ આસીમ મુનીર અમેરિકાનો સંદેશ લઈને ઈરાન પહોંચ્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક