• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

અંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી : 250 લાપતા

રોહિંગ્યા બંગલાદેશી ગેરકાનૂની રીતે મલેશિયા જઈ રહ્યા હતા : અંદામાન સાગર પાસે બની ઘટના

નવી દિલ્હી, તા. 15 : અંદામાન સાગરમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બંગલાદેશી નાગરિકોને લઈ જઈ રહેલી એક બોટ પલટવાથી લગભગ 250 લોકો લાપતા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ દુ:ખદ ઘટનાની પુષ્ટિ કરી હતી.  સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત (યુએનએચસીઆર)એ એક નિવેદનમાં કહ્યું હતું કે, હોડી દક્ષિણી બંગલાદેશના ટેક્નાફથી મલેશિયા તરફ રવાના થઈ હતી. ભારે  હવા, ઉબડખાડબ સમુદ્ર અને અત્યાધિક ભીડના કારણે બોટ ડૂબી હતી. પ્રારંભિક જાણકારી અનુસાર બોટમાં 280 જેટલા લોકો સવાર હતા અને તેઓએ ચાર એપ્રિલના રોજ બંગલાદેશ છોડયું હતું.

દુર્ઘટનામાં લાપતા લોકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. કહેવાય છે કે બોટમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા હતા. સંભાવના છે કે રોહિંગ્યા શરણાર્થી બંગલાદેશના કોક્સ બજારમાં સ્થિત વિશાળ શિબિરોમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યાં મ્યાંમારના રખાઈન પ્રાંતથી વિસ્થાપીત 10 લાખથી વધારે શરણાર્થી દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે.

બંગલાદેશ તટરક્ષક દળે કહ્યું હતું કે નવમી એપ્રિલના રોજ ઈન્ડોનેશિયા જઈ રહેલા તેમના એક જહાજે સમુદ્રમાંથી નવ લોકોને બચાવ્યા હતા. જેમાં એક મહિલા પણ સામેલ હતી. બીએસજીના પ્રવક્તા સબ્બીર આલમ સુજાને કહ્યું હતું કે બંગલાદેશી જહાજ એમટી મેઘના પ્રાઈડે અંદામાન દ્વીપો પાસે ઉંડા દરિયામાં અમુક લોકોને તરતા જોયા હતા અને તેઓને બચાવી લીધા હતા.

બચાવાયેલા લોકોમાંથી એક રફીકુલ ઈસ્લામે કહ્યું હતું કે તસકરોએ મલેશિયામાં નોકરીનું વચન આપીને એક એજન્ટે બોટમાં બેસાડયા હતા. તેઓને ટેક્નાફના એક ઘરમાં 20-25 લોકો સાથે અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. ચાર દિવસની યાત્રા બાદ બોટ અચાનક પલટી હતી અને તેઓ 36 કલાક સુધી સમુદ્રમાં તરતા રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક