ગોંડલ,
તા.15: આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને રાજકીય વિવાદ હવે હિંસક
વળાંક લઈ રહ્યો છે. શહેરના ભગવતપરા વિસ્તારમાં રહેતા અફસાનાબેન ચૌહાણના પુત્ર સોહીલને
રસ્તામાં આંતરીને ઇરફાન ગફાર ઉર્ફે ડોન નામના શખ્સે છરીના ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી
આપી હતી. બનાવને પગલે સોહીલ જીવ બચાવીને ભાગ્યો હતો અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા
તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ હુમલા
પાછળ ટિકિટની જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. અગાઉ ઇરફાનના માતા હાજરાબેન નગરપાલિકાના
સદસ્ય હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને ફરિયાદીના જેઠ સલીમભાઈ ચૌહાણને આપવામાં
આવી હતી. આ રાજકીય ખાર રાખીને ઇરફાને સોહીલના બાઇક પાછળ પોતાનું બુલેટ દોડાવી તેને
આંતર્યો હતો અને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ગુનો
નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.