• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

જામનગરમાં ગણેશ વિસર્જનમાં બે પુત્ર સાથે પિતાનું ડૂબી જતા મૃત્યુ

લહેર તળાવમાં બની દુર્ઘટના: બંને પુત્રો ડૂબવા લાગતા બચાવવા જતાં પિતાએ પણ જીવ ગુમાવ્યો: પરિવાર શોકમગ્ન

જામનગર, તા.31: જામનગરના રામેશ્વર નગરમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા, બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિના લહેર તળાવમાં ગણપતિ વિસર્જન વેળાએ ડૂબી જતાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન થયો છે.

જામનગરમાં આજે બનેલા કરુણાજનક બનાવની મળતી માહિતી અનુસાર,  રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પ્રિતેશ દિનેશભાઈ રાવત આજે બપોરે ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાના બે પુત્રો સંજય(ઉં.15 વર્ષ) અને અંશ (ઉં.4 વર્ષ) જે બંનેને પોતાના બાઈકમાં સાથે બેસાડીને ગણપતિની મૂર્તિને લઈને જામનગરની ભાગોળે આવેલી  નાઘેડી વિસ્તારના લહેર તળાવ પાસે પહોંચ્યા હતા. જ્યાં ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતી સમયે પિતા-પુત્ર ત્રણેય પાણીમાં ઉતર્યા હતા અને એકાએક ડૂબવા લાગ્યા હતા. પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીમાંથી ત્રણેયને બહાર કાઢી લીધા હતા. પરંતુ તેઓના મૃતદેહજ હાથ લાગ્યા હતા.  બનાવની પોલીસને જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણેય મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો અને પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક