• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

લોકડાઉન વખતની સ્ટાઈલથી ટેરિફ સામે લડશે સરકાર

રાહત પેકેજ અને યોજનાઓ જાહેર કરવાં સરકારની વિચારણા

નવી દિલ્હી, તા.31: ભારત અને અમેરિકાનાં કથળતા સંબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સલાહકારે ટ્રમ્પનાં ટેરિફને પહોંચી વળવા માટેનાં કેટલાક રસ્તા બતાવ્યા છે. મુખ્ય આર્થિક સલાહકાર વી.અનંત નાગેશ્વરનનું માનવું છે કે, ભારતીય ચીજો ઉપર અમેરિકાનાં પ0 ટકા ટેરિફથી નિકાસને ફટકો પડશે અને તેની ભરપાઈ કરવા માટે ઘરેલું માગ અને વધતી ગ્રામીણ ખપત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ટ્રમ્પનાં ટેરિફથી ભારતીય નિકાસ અને કામદારો ઉપર સીધી અસર થવાનું નિશ્ચિત છે ત્યારે એક અન્ય એક અહેવાલ અનુસાર સરકારે કોવિડ લોકડાઉનની તર્જ ઉપર ફરીથી લોકોને રાહત આપવાની યોજના ઘડી છે. આ ઉપરાંત અમેરિકા સીવાય દુનિયાનાં અન્ય બજારોમાં સંભાવનાઓ તપાસવાથી માંડીને વૈશ્વિક સપ્લાઈ ચેઈનનાં એકીકરણ માટે લાંબાગાળાની રણનીતિ ઉપર પણ કામ ચાલી રહ્યું છે.

સરકારનાં બે વરિષ્ઠ અધિકારીઓનાં હવાલેથી આવતાં અહેવાલ અનુસાર સરકાર સૌથી પહેલા તો રોકડ સમસ્યાનું સમાધાન કાઢવાનું વિચારી રહી છે. આ ઉપરાંત નિકાસ અને રોજગારી બચાવવા માટે સરકાર કોવિડ સ્ટાઈલમાં યોજનાઓ ચલાવવા માગે છે. લોકડાઉનની જેમ જ સરકાર ફરીથી રાહત પેકેજની ઘોષણા કરી શકે છે. ઉદ્યોગોમાં રોકડ સમસ્યા અને ખાસ કરીને લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે આ પ્રકારની યોજનાઓ આવે તેવી શક્યતા છે. સરકાર ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી યોજના(ઈસીએલજીએસ) જેવી યોજના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જેમાં 100 ટકા બાંયધરી સાથે જામીન વગર લોન ઉપલબ્ધ કરાવી શકાય. આનાથી લાખો નાના અને મધ્યમ ઉદ્યોગોને નાદાર થતા બચાવી શકાશે. લોકડાઉનમાં 68 દિવસો માટે જ્યારે ઔદ્યોગિક ગતિવિધિઓ ઠપ થઈ હતી ત્યારે આ યોજનાએ જ દેશનાં નાના ઉદ્યોગોને ઉગારી લીધા હતાં. જો કે વર્તમાન સંજોગોને ધ્યાને રાખતા આ યોજનામાં નાના-મોટા ફેરફાર આવી શકે છે.

આ સીવાય સરકાર ટેક્સમાં પણ રાહત આપવા વિચારી રહી છે. જેમાં જીએસટીનાં સુધારાનો પણ સમાવેશ થાય છે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં વેરા ઘટાડવા અંગે વિચારણા થઈ શકે છે. ઘરેલુ સ્તરે મજબૂતીનાં કારણ હાલ ભારતનાં અર્થતંત્રને કોઈ મોટો ખતરો નથી. ટેરિફ જેવા પરિબળો દેશનાં અર્થતંત્રને વધુ કોઈ મોટી અસર કરી શકશે નહીં કારણ કે દેશનાં જીડીપીમાં નિકાસનું યોગદાન મામૂલી છે.

બીજીબાજુ નાગેશ્વરને કહ્યું હતું કે, ટેરિફની કેટલીક પ્રતિકૂળ અસરો થશે. નોકરીઓ ખતમ થશે પણ અમેરિકામાં નિકાસ ઉપર નિર્ભર હોય તેવા ઉદ્યોગ અને વેપાર-ધંધામાં જ તેની અસરો થશે. આ ઉપરાંત કંપનીઓએ સમજવું પડશે કે ટેરિફ અનિશ્ચિત છે તેથી દૂરંદેશી અપનાવીને આગળનાં વિકલ્પો પસંદ કરી શકશે. જેમાં ટેરિફ જોવાની રાહ જોઈને કર્મચારીઓને નોકરીઓ ઉપર જાળવી પણ રાખી શકાય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક