સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી : કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટની નોટિસ
નવ
દિલ્હી, તા.31: સરકાર જમીન ઉપર બનેલી કે પછી સરકાર રાહતોથી બનેલી ખાનગી હોસ્પિટલોમાં
આર્થિક કમજોર અને ગરીબોને નિ:શુલ્ક ઈલાજ મળતો ન હોવાનાં મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી
માટે સહમતી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ બી.આર.ગવઈનાં વડપણ હેઠળની પીઠે
આ મુદ્દે દાખલ થયેલી જનહિત અરજીનાં આધારે કેન્દ્ર સરકાર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને
નોટિસો પણ જારી કરી હતી.
આ અરજી
મેગ્સેસે એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ સમાજ સેવક સંદીપ પાંડે દ્વારા
દાખલ કરવામાં આવેલી છે. જેમાં મુદ્દો ઉઠાવાયો છે કે, આવી ખાનગી હોસ્પિટલોને સરકારી
જમીન રાહતદરે એવી શરતો ઉપર આપવામાં આવી હતી કે તેઓ ગરીબો અને આર્થિક નબળા દર્દીઓને
મફત ઈલાજ પૂરો પાડશે પણ આ શરતોનું પાલન કરવામાં નથી આવતું.
આ લોકહિત
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો દ્વારા સતત ઓડિટ, કોર્ટની દેખરેખમાં તપાસ અને
સરકારી જાહેરનામા દર્શાવે છે કે, હોસ્પિટલ નિર્ધારિત ફ્રી ઈલાજનું પાલન કરવામાં વિફળ
રહી છે. સામાન્ય રીતે 10 ટકા ઈન પેશન્ટ બેડ અને 25 ટકા આઉટ પેશન્ટ પરામર્શ ગરીબો માટે
ફ્રી ઈલાજની શરત રાખવામાં આવી હોય છે.
અરજીમાં
એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે, દિલ્હીમાં ઘણી હોસ્પિટલોમાં શરત હતી કે, તે પોતાનાં
એક તૃત્યાંશ બેડ ફ્રી ઈલાજ માટે આરક્ષિત રાખશે અને તેનું પાલન ન થતું હોવાનાં કારણે
દિલ્હી હાઈકોર્ટે વર્ષો સુધી તેનાં ઉપર નિરીક્ષણ નહીં રાખવા સબબ અધિકારીઓને ફટકાર પણ
લગાવી હતી અને દંડનો નિર્દેશ પણ આપેલો. આ આદેશને આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પણ બરકરાર
રાખવામાં આવ્યો હતો.