• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

ગઢડા નજીક કારમાંથી રૂ.2 લાખની ચોરીમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની કરી ધરપકડ

ગઢડા(સ્વામીના), તા.31: ગઢડા નજીક કારનો કાચ તોડી રૂ.2 લાખની ચોરી થયાના બનાવમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી ઉમેશભાઇ બાબુભાઇ ખસિયા (રહે.ગારિયાધાર)ને તેમના શેઠ મેહુલભાઇ મિસ્ત્રી (રહે.ગારીયાધાર) વાળાએ એલ્યુમિનિયમ સેક્શનનો માલ સામાન લેવા આપેલા રોકડ રૂપિયા બે લાખ તેમની માલીકીની કારની ડેસ્કબોર્ડ ડીકીમાં રાખી ગારિયાધારથી બોટાદ જતા ગઢડાના ગુંદાળાથી પડવદર ગામના પાટિયા વચ્ચે પંક્ચર પડતા ફરિયાદી ગાડી રોડ પર રાખી ગુંદાળા ગામે પંક્ચર કરાવી પરત આવતા અજાણ્યો શખ્સ કાચ તોડી ડેસ્કબોર્ડ ડીકીમાં રાખેલા રૂ.બે લાખ ચોરી કરી ગયાની ગઢડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ આપી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરિયાદીની ઉંડાણપૂર્વકની તપાસ કરતા ફરિયાદીએ મનઘડંત કહાની ઘડી તેમજ પોલીસ સ્ટેશનમાં આવી ખોટી ફરિયાદ આપી હોવાની અને ફરિયાદીએ પોતે જ એક સહ આરોપી સાથે મળીને ચોરીનો ગુનો આચર્યો હોવાનું ખૂલતા પોલીસે ઉમેશભાઇ બાબુભાઇ ખસિયા અને ભોળાભાઇ રામભાઇ સીંધવ (રહે.લીખાળા ગામ તા.સાવરકુંડલા)ની ઘરપકડ કરી રોકડ બે લાખ તેમજ કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા રૂ.5.10 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ  ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક