• બુધવાર, 18 જૂન, 2025

ત્રણ સુપર ઓવર પછી નેપાળ સામે નેધરલેન્ડનો વિજય T-20 ઇન્ટરનેશનલ મેચમાં નવો રેકોર્ડ

ગ્લાસગો, તા.17: નેધરલેન્ડ ટીમે ટી-20 ઇન્ટરનેશનલ ત્રિકોણીય શ્રેણીના મેચમાં નેપાળ ટીમને ત્રીજી સુપર ઓવરમાં હાર આપીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ટી-20 અને લિસ્ટ એ ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર કોઇ મેચનું પરિણામ ત્રણ સુપર ઓવર પછી આવ્યું છે.

આ મેચમાં પહેલા બેટિંગ કરતા નેધરલેન્ડના નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 1પ2 રન કર્યાં હતા. આ પછી નેપાળે આખરી ઓવરમાં 1પ રન કરી મેચ ટાઇ કર્યો હતો. નંદન યાદવે આખરી બોલ પર ચોકકો ફટકાર્યો હતો. આથી નેપાળના પણ 8 વિકેટે 1પ2 રન થયા હતા.

પહેલી સુપર ઓવરમાં નેપાળના 19 રન થયા હતા. નેધરલેન્ડના મેકસ ઓડોવે પાંચમા અને છઠ્ઠા દડે છક્કો અને ચોક્કો ફટકારીને સુપર ઓવર ટાઇ કરી હતી. બીજી સુપર ઓવર પણ ટાઇ રહી હતી. જેમાં બન્ને ટીમે 17-17 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજી સુપર ઓવરમાં નેપાળ ટીમ એક પણ રન કરી શકી ન હતી. ડચ સ્પિનર લાયન કેશેટે ચાર દડામાં એક પણ રન આપ્યા વિના બે વિકેટ લીધી હતી. આથી નેપાળની સુપર ઓવર સમાપ્ત થઇ હતી. જીત માટેનો ફકત એક રન ત્રીજી ઓવરના પહેલા દડે કરી નેધરલેન્ડે રોમાંચક જીત મેળવી હતી. આ ત્રિકોણીય ટી-20 શ્રેણીની ત્રીજી ટીમ યજમાન સ્કોટલેન્ડ છે.

ઇ-પેપરના નવા શુલ્ક