અમુકના મોબાઈલ જપ્ત કરાયા : તપાસ માટે બનેલી સમિતિની પહેલી બેઠક મળી
નવી દિલ્હી, તા. 17 : અમદાવાદમાં
બનેલી વિમાન દુર્ઘટના મુદ્દે બનેલી ઉચ્ચ સ્તરની કમિટિની પહેલી બેઠક મળી હતી. જે અંદાજીત
બે કલાક ચાલી હતી. સૂત્રો અનુસાર બેઠકમાં હવાઈ દુર્ઘટનાના મુળ કારણો, ટેક્નીકલ ખરાબી,
માનવીય ભૂલ, હવામાનની સ્થિતિ, નિયમોનું ઉલ્લંઘન સહિતના મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.
સમિતિ દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા જરૂરી
સુધારાની ભલામણ કરવામાં આવશે અને એક એસઓપી તૈયાર કરાશે. બીજી તરફ બનાવની તપાસ હેઠળ સુરક્ષા એજન્સીઓએ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગ્રાઉન્ડ
હેન્ડલિંગ સ્ટાફની પૂછપરછ કરી હતી અને આગળની તપાસ માટે મોબાઈલ જપ્ત કર્યા હતા. જ્યારે બોઈંગની ટીમે ઘટના સ્થળેથી
કોકપિટ વોઇસ રેકોર્ડેડ (સીવીઆર) અને બીજું
બ્લેક બોક્સ બરામદ કર્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે
વિમાનના ગ્રાઉન્ડ હેન્ડલીંગ સંબંધિત તમામ કર્મચારીની પૂછપરછ કરવામાં આવી છે અને નિવેદનો લેવાયા છે. આ કર્મચારીઓમાં એવા લોકો પણ સામેલ છે
જેણે વિમાનના ઉડાન ભરતા પહેલા નિરીક્ષણ કર્યું હતું. આવા કર્મચારીઓના ફોન એજન્સી દ્વારા
જપ્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરિસરના સીસીટીવી રેકોર્ડિંગને પણ તપાસ માટે એજન્સીએ
પોતાના કબજામાં લીધા છે. તપાસ સાથે જોડાયેલા
અધિકારીના કહેવા પ્રમાણે બનાવની 360 ડિગ્રી તપાસ કરવામાં આવી રહી છે. જેમા ઘટનાના તમામ
સંભવિત કારણોને આવરી લેવામાં આવ્યા છે.
દરમિયાન ડીજીસીએ દ્વારા એરઈન્ડિયાના
અધિકારીઓને વિમાનની ઉડાણ પહેલા પાલન કરવાના કડક દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.