એકમાત્ર માર્ગ ઈરાન બંધ કરે તો ઈંધણ તંગીની ચિંતા : ભારત વૈકલ્પિક માર્ગોની શોધમાં
ઈઝરાયલ સામે ઘર્ષણ વચ્ચે સ્ટ્રેટ
ઓફ હોરમુઝ ઈરાન બંધ કરે તો અનેક દેશમાં ઓઈલ કટોકટી સર્જાય
નવીદિલ્હી,તા.17: ઈરાન અને ઈઝરાયલનાં
ઘાતક ટકરાવથી હવે ભારતની ચિંતામાં પણ વધારો થવા લાગ્યો છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય
તો ભારતમાં ઓઈલ અને ગેસની આપૂર્તિ પણ બાધિત થઈ શકે છે. આશંકા એવી છે કે, જે માર્ગેથી
દુનિયાભરનાં ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે તેવાં ઈરાન સ્ટ્રેટ ઓફ હોરમુઝને પણ બંધ કરી
શકે છે. જેને પગલે ભારતે અત્યારથી જ વૈકલ્પિક માર્ગોની તલાશ પણ શરૂ કરી દીધી છે. જો
ભારતમાં ઓઈલ-ગેસનો પુરવઠો ખોરવાય તો ઈંધણનાં ભાવ ભડકે બળી શકે છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે શાંતિ સ્થપાવાનાં
હજી કોઈ અણસાર ન હોવાનાં કારણે વૈશ્વિક બજારમાં ઓઈલનાં ભાવમાં ભારે ઉતાર-ચઢાવ થઈ રહ્યો
છે. જેનાં હિસાબે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પોતાનાં મંત્રાલયનાં
ટોચના અધિકારીઓ અને ઓઈલ કંપનીઓનાં પ્રતિનિધિઓ સાથે સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. આ
બેઠક બાદ પુરીએ કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારત પોતાની ઈંધણની આવશ્યકતાઓને
પૂરી કરવા માટે બહેતર સ્થિતિમાં છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટ્રેટ ઓફ
હોરમુઝ એ સમુદ્રી માર્ગ છે જે ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડતો રસ્તો છે. ફારસની
ખાડીમાંથી ખુલ્લા સમુદ્રમાં જવા માટેનો આ એક જ માર્ગ છે. જ્યાંથી પ્રતિદિન આશરે 2 કરોડ
બેરલ જેટલું ઓઈલ પસાર થાય છે. સાઉદી અરબ, ઈરાક, કુવેત જેવા દેશો પાસેથી ભારત આ માર્ગેથી
જ ઓઈલની આયાત કરે છે. આ માર્ગ ઉપર ઈરાનનું નિયંત્રણ છે. જો આ રસ્તો ઈરાન બંધ કરી નાખે
તો ભારત સહિતનાં દેશોમાં ઓઈલનો પુરવઠો ખોરવાઈ શકે છે અને ઓઈલનાં ભાવ ભડકે બળી શકે છે.
આ માર્ગેથી ભારતનું 40 ટકા ઓઈલ અને પ4 ટકા જેટલો ગેસ આયાત થાય છે. જો આ સપ્લાય ઉપર
અસર થાય તો ભારતમાં ઈંધણ કટોકટી જેવી હાલત સર્જાઈ શકે તેમાં કોઈ શંકા નથી.
ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામ માટે
ટ્રમ્પ ઉપર દબાણ કરો : ખાડી દેશોને ઈરાનની ગુહાર
નવી દિલ્હી, તા.17: ઈઝરાયલ તરફથી
એકધારા ભીષણ હુમલાને પગલે આખા ઈરાનમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ઈરાને ખાડી
દેશ કતાર, સાઉદી અરબ અને ઓમાનને અનુરોધ કર્યો છે કે, તે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ ઉપર ઈઝરાયલને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત કરવા દબાણ કરે. આનાં બદલામાં ઈરાને
પરમાણુ વાર્તામાં બાંધછોડ કરવાની તૈયારી પણ દેખાડી હતી. ઉલ્લેખનીય છે કે, ખાડી દેશોનાં
નેતાઓ અને શીર્ષ રાજદ્વારીઓએ ગત સપ્તાહે ઈરાન, અમેરિકા સહિત અન્ય દેશો સાથે વાતચીત
કરી હતી અને મોટા સૈન્ય ટકરાવને રોકવા માટે પ્રયાસો કર્યા હતાં.