આરોપીએ પાર્ટનરના પણ રૂા. 1.60 કરોડ પડાવ્યા : 12 થી 14 ટકા વળતરની લાલચ આપતા
સુરત, તા. 17: ગુજરાતના સૌથી
મોટા સાયબર ફ્રોડનો ખુલાસો સુરતમાં 2050 કરોડના સાયબર ફ્રોડને અંજામ આપનાર કિરાત જાદવાણી
અને મિત ખોખરની તપાસમાં થયો છે. સાયબર ફ્રોડથી શરૂ થયેલી તપાસ હવે ફોરેક્સ ટ્રાડિંગ
સુધી પહોંચી છે અને તેના દ્વારા લોકો સાથે છેતરાપિંડી કરવામાં આવતી હતી. ફોરેક્સ ટ્રાડિંગના
નામે મિત ખોખર દ્વારા તેના બિઝનેસ પાર્ટનર કિરાત જાદવાણી સાથે પણ 1.60 કરોડ એટલે કે
2 લાખ યુએસડીટી ડોલરની છેતરાપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું
છે કે મિત ખોખર ફોરેક્સ ટ્રાડિંગ પણ કરતો હતો. આ ટ્રાડિંગ આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત
કરવામાં આવેલી એપથી કરવામાં આવતું હતું. આરોપી મિત ખોખરની મોડસ ઓપરેન્ડી એવી હતી કે
કોઈ વ્યક્તિ રોકાણ કરવા માંગતી હોય તેની પાસેથી માત્ર રોકડમાં પૈસા લેવામાં આવતા હતા.
ત્યાર બાદ તે વ્યક્તિને આ એપ્લિકેશન મારફતે તેના આઈડીમાં પૈસા અને ટ્રાડિંગ ચાલી રહ્યું
છે તેમ દર્શાવવામાં આવતુ હતુ. સૌપ્રથમ રોકાણકાર પાસેથી રોકડમાં પૈસા લઈ તેને પોતાના
ઈવન એફએક્સ સર્વર બનાવેલા આઈડી ઉપર ટ્રાન્સફર કરતો હતો. બાદ લોકોને 12થી 14 ટકા વધુ
વળતરની લાલચ આપી સિક્યોર એફએક્સ નામના સર્વર પર આઈડી ટ્રાન્સફર કરાવી દેતો હતો. આ આઈડી
મેટા ટ્રેડર-5 નામની એપ પર જનરેટ કરી તેનુ યુઝરનેમ અને પાસવર્ડ રોકાણકારને આપતો હતો.
મિત લોકોને સૌ પ્રથમ રોકાણ કરાવતો
હતો. ટ્રાડિંગ કરાવીને તેમને પહેલાં થોડાક પૈસા આપતો હતો. વિશ્વાસ કેળવીને આ એમાઉન્ટ
ઝીરો કરી દેતો હતો. સાયબર ફ્રોડમાં મિતના પાર્ટનર કિરાતે રૂા.1.69 કરોડ ફોરેક્સ ટ્રાડિંગમાં
રોક્યા હતા. મોટા વરાછા વિસ્તારના એક ટેક્સટાઈલ વેપારી સાથે ફોરેક્સ ટ્રાડિંગમાં રોકાણના
નામે રૂ. 39 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આરોપી મિત અને તેનું નેટર્વક મેટાટ્રેડર
5 એપ્લિકેશન દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરાતું હતું અને તેમાં એલ્ગો સિસ્ટમ પણ જોડી રાખી
હતી. આ બધુ સરથાણામાં સ્થિત ઓફિસમાંથી ઓપરેટ થતું હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.